સુરતઃ મેટ્રોની કામગીરીમાં વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસ પહેલાં મેટ્રોની ક્રેઈન એક બંગલા પર પડી હતી ત્યારે હવે મેટ્રોની ક્રેઈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ક્રેઈનનું ટાયર જમીનમાં ખૂંપી ગયેલું જોવા મળે છે. જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરતા મેટ્રો અને સુરત મનપાનું તંત્ર દોડતું થયું છે.
સુરત શહેરમાં લાંબા સમયથી મેટ્રો માટેની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને શહેરના રાજમાર્ગ પર આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમયથી મેટ્રોની કામગીરીના લીધે રાજમાર્ગ બંધ કરાયો છે અને અહીંના રહીશો તથા દુકાનદારો મેટ્રોની કામગીરીના લીધે ત્રાહિમામ પોકારી ગયા છે, તેમ છતાં શહેરના વિકાસમાં લોકો સાથ સહકાર આપી રહ્યાં છે.
બીજા પક્ષે મેટ્રોના અધિકારીઓ લોકોની સુરક્ષા પ્રત્યે બિલકુલ ધ્યાન નહીં આપતા હોવાની વિગતો સપાટી પર આવી છે.
થોડા દિવસ પહેલાં પૂણા રોડ પર મેટ્રોની ક્રેઈન એક બંગલા પર પડી હતી. બંગલાની બાલ્કની સહિતનો અમુક હિસ્સો આ દુર્ઘટનામાં તૂટી ગયો હતો. સદ્દનસીબે ઘટના બની ત્યારે બંગલામાં કોઈ હતું નથી. તેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. દરમિયાન આવી જ એક ઘટના સામે આવી છે.
ખરેખર સુરતના રાજમાર્ગ પર મસ્કતિ હોસ્પિટલ, મહિધરપુરા પોસ્ટ ઓફિસ પાસે લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આ રોડ ઘણા લાંબા સમયથી બંધ કરી દેવાયો છે. દરમિયાન આજે અહીંના એક જાગૃત નાગરિકે મેટ્રોની બેદરકારી ઉજાગર કરતો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
આ વીડિયો રાજમાર્ગ પર કોમર્સ હાઉસ મહિધરપુરા પોસ્ટ ઓફિસ પાસેનો છે. અહીં મેટ્રોની નાની ક્રેઈન લપસીને જમીનમાં ખૂંપી ગઈ છે. તેનું ટાયર જમીનમાં ખૂંપી ગયું છે. સદનસીબે ક્રેઈન રોડની સાઈડ પરની દુકાનો પર પડી નથી. ક્રેઈન કાદવને લીધે જમીનમાં ખૂપી ગઈ હતી. આ ઘટના બનતા 250 ટન વજન ધરાવતી મોટી ક્રેઈનને આગળ વધતા તાત્કાલિક અટકાવવામાં આવી હતી.
વીડિયો બનાવનાર જાગૃત નાગિરક કહે છે કે નાની ક્રેઈન રોડમાં ખૂંપી ગઈ છે, ત્યારે મોટી ક્રેઈન હોત તો શું થાત. મેટ્રોના અધિકારીઓ સુરક્ષા પ્રત્યે બિલકુલ જાગૃત નથી. મોટી ક્રેઈન રોડમાં ખૂંપી જાય તો આસપાસની દુકાનો પર પણ ઢળી શકે છે. આ બાબતે મેટ્રો સહિતના જવાબદાર અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ તેવી માંગ ઉઠી છે.