સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યા છે.
તેમજ છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે આ સુરતવાસીઓના ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે. 18મી જાન્યુ.એ ડ્રીમ સિટી ખાતે વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રો રેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ડ્રીમ સિટી ખાતે તેમજ લાભેશ્વર ચોક પાસે મેટ્રોની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. અને હવે એસ.પી સીંગલા અને સદભાવના એન્જિનિયરિંગના જોઈન્ટ વેન્ચર દ્વારા કાદરશાની નાળ પાસે પણ બેરિકેડ લગાડી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મેટ્રો રેલના આ પ્રથમ પેકેજમાં ડ્રીમ સિટીના ડાયમંડ બુર્સથી કાદરશાની નાળ સુધી 11 કિ.મી.ના રૂટ પર 10 એલિવેટેડ સ્ટેશન હશે. આ રૂટમાં માટે 450 પિલર અને સ્ટેશન માટે 250 પિલર મળીને કુલ 700 પિલર બનાવવામાં આવશે. દરેક બે પિલર વચ્ચે 29 મીટરનું અંતર હશે.
આ તમામ પિલર બનાવવા માટે 3 હજાર બોરિંગ એટલે કે પાઈલ ગાળવામાં આવશે. મેટ્રો રેલના કાદરશાની નાળથી ડ્રીમ સિટી માટે ખોલાયેલા ટેન્ડરમાં કુલ 11.6 કિ.મી.નું કામ પહેલા થશે. જે 30 માસમાં તૈયાર કરી દેવાની શરત રાખવામાં આવી છે. સુરત મેટ્રોના પ્રોજેક્ટના પ્રથમ ફેઇઝના 21.61 કિ.મી.ની લાઈન-1 સમાવિષ્ટ છે.