ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો (Farmer) માટે દરેક ઋતુ (Session) કપરી બની રહી છે. શિળાયા અને ઉનાળામાં માવઠુ થવાથી પહેલાથી જ ખેડૂતોને ઘણું નુકશાન ભોગવવું પડ્યું છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) વધુ એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આ વખતે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું (Monsoon) નબળું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી માત્ર 35થી 65 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળામાં જળસ્તર ઘટવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં અત્યારથી જ પાણીની બૂમો ઉઠી રહી છે. આ સાથે જ ખેડૂતો પાણી અને વીજળી માટે રસ્તા પર ઉતરી રહ્યાં છે. ત્યારે હવે આગામી સીઝનમાં પણ વરસાદ નબળો રહેવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ગત વર્ષે 32.56 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 98.45 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારે જો આ વર્ષે વરસાદની સિઝન નબળી રહેશે તો ફરી પાણીની પોકાર ઉઠશે. આ સાથે જ આ ચોમાસું નબળું જશે તો આવતા ઉનાળે પણ પાણીની પોકાર ઉઠશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસાની સીઝનમાં મહેસાણામાં 45થી 65 ટકા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 35 થી 55 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદામાંથી 1500 કયૂસેક પાણી છોડાશે
ગાંધીનગર : ઉત્તર ગુજરાતમાં પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરતાં ખેડૂતોનો ઘાસચારાનો પાક બળી ના જાય તે માટે રાજય સરકાર દ્વારા નર્મદાનું 1500 કયૂસેક પાણી કેનાલ મારફતે આવતા 10 દિવસ સુધી સતત છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયુ નહોતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી નહીં કરવા ખેડૂતનો અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.
તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે એક પાણ પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સીએમ પટેલે હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને 10 દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને આદેશ કર્યો હતો. આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે.
આજથી 48 કલાક માટે ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી ગરમી
આવતીકાલ તા.15 અને 16મી મે એમ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હીટ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટમાં તેની અસર વઘારે રહેશે. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે દક્ષિણ ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 41.5 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 41 ડિ.સે., નલિયામાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે., કંડલા પોર્ટ 38 ડિ.સે., અમરેલીમાં 42 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
………