ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી કોલ્ડ વેવની ચેતવણી દૂર કરી દેવાઈ છે. જો કે રાજયમાં આગામી તા.19મી ડિસેમ્બર સુધી ઠંડીનું મોજુ યથાવત રહેશે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. બીજા ક્રમે રાજકોટ, ડીસા અને કેશોદમાં 10 ડિ.સે. ઠંડી નોંધાવવા પામી છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડીનો દૌર ચાલુ છે. સમી સાંજે શહેરીજનો કાતિલ ઠંડીમાં થરથરી રહ્યાં છે. અમદાવાદમાં પણ આજે સવારે શીત લહેરની અસર જોવા મળી હતી. સમગ્ર રાજયમાં બર્ફિલા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધી પામ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., દાહોદમાં 11.5 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., ડાંગમાં 13.8 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 8 ડિ.સે., કંડલા પોર્ટ પર 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 11 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 14 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., અને કેશોદમાં 10 ડિ.સે., લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.
નવસારીમાં ઠંડીનો પારો નહિવત ડિગ્રી વધ્યો, જોકે મહત્તમ અડધો ડિગ્રી ગગડયું
નવસારી: નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. આજે ઠંડીનો પારો નહિવત ડિગ્રી વધ્યો હતો. સાથે જ પવનોની ઝડપ પણ ઘટી હતી. જોકે મહત્તમ તાપમાનમાં વધુ અડધા ડિગ્રીનો ઘટાડો થયો હતો. નવસારીમાં ગત 28મી નવેમ્બરે ઠંડીનો પારો ગગડીને 13.5 ડિગ્રીએ આવી પહોંચતા નવસારી શહેર સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
પરંતુ ત્યારબાદ ઠંડીનો પારો વધીને 21.6 ડિગ્રીએ પહોંચતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. જોકે ત્યાર પછીના 4 દિવસમાં ઠંડીનો પારો 12.8 ડિગ્રી ગગડીને ગત 9મીએ 8.8 ડિગ્રી નોંધાતા નવસારીમાં કાતિલ ઠંડી પડી હતી. તેમજ સિઝનનો સૌથી ઠંડો દિવસ પણ રહ્યો હતો. પરંતુ હવે ઠંડીના પારામાં વધારો થઇ રહ્યો છે. આજે ઠંડીનો પારો નહિવત ડિગ્રી વધવા સાથે 4 દિવસમાં 5.8 ડિગ્રી વધતા નવસારીમાં ઠંડીમાં ઘટાડો થયો છે. તેમજ ગત 2 દિવસથી પુરઝડપે ફૂંકાતા પવનોની ગતિમાં પણ ઘટાડો થયો છે. જોકે મહત્તમ તાપમાનમાં વધુ અડધો ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો.
શુક્રવારે નવસારીમાં ઠંડીનો પારો નહિવત ડિગ્રી વધીને 14.6 ડિગ્રી નોંધાયું છે. જયારે મહત્તમ તાપમાન 0.7 ડિગ્રી ગગડીને 29.4 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 35 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 3.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.