Gujarat

પવન ફૂંકાશે, વાદળો ઘેરાશે પણ ગુજરાતમાં હાલ વરસાદ નહીં પડે: હવામાન વિભાગ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેર, જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીના આંકડાને વટાવી ગયો છે. લોકો અકળાવનારી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદ ક્યારે પડે તેની લોકો રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક ખરાબ સમાચાર હવામાન ખાતા તરફથી આવ્યા છે.

હવામાન વિભાગે કહ્યું કે, આજથી પારો ધીમેધીમે નીચે ઉતરશે. તેની સાથે જ રાજ્યમાં 25થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. તેથી લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. જોકે, ભેજનું પ્રમાણ ઊંચું રહેતું હોવાના લીધે બફારાનો અનુભવ થશે. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બફારો વધશે.

કારણ કે હાલમાં ગુજરાત ઉપર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે, જેમાં દરિયાઈ ભેજનું પ્રમાણ વધુ છે. આ ભેજના લીધે અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ થયું હતું. પરંતુ જેમ સૂર્ય માથે ચઢતો ગયો તેમ વાદળો હટી ગયા હતા. વાદળો ઘેરાઈ રહ્યાં છે, પરંતુ તે વરસી રહ્યાં નહીં હોવાથી લોકો નિરાશ થયા હતા, ત્યારે હવામાન ખાતાએ કહ્યું કે, ભલે વાદળો ઘેરાય પરંતુ તે હાલમાં વરસે એવી કોઈ શક્યતા નથી. કારણ કે તે ચોમાસાના વાદળો નથી.

સુરતમાં 32 કિમીની ઝડપે પવન ફુંકાયો છતાંય લોકો પરસેવાથી રેબઝેબ થયા
સુરત: (Surat) શહેરમાં એકરીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ છે. જેને કારણે સોમવારે રાતથી સતત સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવન (Wind) ફુંકાઈ રહ્યો છે. મંગળવારે પણ શહેરમાં 32 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધીમે ધીમે નૈઋત્ય ચોમાસું શરૂ થવા માટેની સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હજી પણ તાપમાનમાં વધઘટનો સિલસિલો યથાવત છે. મંગળવારેમહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.1 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ શહેરમાં આજે સરેરાશ 13 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

દિવસભર ઝડપી પવનો ફુંકાતા ધુળની ડમરીઓએ લોકોને પરેશાન કર્યા હતા. મકાનોની અંદર પણ રેતી અને માટીના કણ ઉડીઉડીને આવતા હતા. શહેરમાં મંગળવારે પવનની મહત્તમ ઝડપ 32 કિમીની આસપાસ નોંધાઈ હતી. સોમવારે રાતથી સતત 20 થી 32 કિમીની ઝડપે પવનો ફુંકાયા છે. આ સાથે જ આગામી દિવસોમાં ચોમાસા માટેનું અનુકુળ વાતાવરણ તૈયાર થશે. ઝડપી પવનો વચ્ચે પણ ભેજનું પ્રમાણ 70 ટકા રહેતા લોકો અકળાયા હતા. ભારે ભેજથી પવનોની વચ્ચે પણ અકળાવે તેવો પરસેવો પડાવ્યો હતો.

Most Popular

To Top