National

આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે ચોમાસા અંગે આપેલા આ અપડેટ પસંદ નહીં પડશે

નવી દિલ્હી: મે મહિનાની ગરમી (Heat) અને આકરો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. લોકો હવે વરસાદની (Rain) રાહ જોઈ રહ્યા છે. જો કે, હવામાન વિભાગે (Weather Department) ચોમાસાને (Monsoon) લઈને ચિંતાજનક માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું થોડું મોડું આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વર્ષે ચોમાસું 4 જૂન સુધી પ્રવેશ કરશે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. જો કે આ વખતે કેરળમાં ચોમાસાના પ્રવેશની તારીખ 04 જૂન જણાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી અનુસાર કેરળમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા ચાર દિવસ મોડી થશે. ગયા વર્ષે કેરળમાં ચોમાસાએ વહેલી એન્ટ્રી કરી હતી. ગયા વર્ષે 29 મેના રોજ ચોમાસાની એન્ટ્રી થઈ હતી.

અગાઉ વર્ષ 2021માં ચોમાસાની એન્ટ્રી 03 જૂને થઈ હતી. જ્યારે 2020માં ચોમાસાની એન્ટ્રી 01 જૂને થઈ હતી. હવામાન વિભાગે ગયા મહિને કહ્યું હતું કે આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ થવાનો છે. અલ-નીનો હોવા છતાં આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ નોંધાશે.

હવામાન વિભાગ દ્વારા ગયા મહિને આપવામાં આવેલી માહિતી અનુસાર ચોમાસા દરમિયાન સરેરાશ 96% વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, તેમાં 5% વધુ કે ઓછો તફાવત હોઈ શકે છે. આ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ-નીનોની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. આ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ધારણા છે.

Most Popular

To Top