Sports

જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે

આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીને ICC ચેરમેન જય શાહ દ્વારા આમંત્રણ પત્ર T20 વર્લ્ડ કપની ટિકિટ ભેટમાં આપવામાં આવી હતી. સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેસ્સીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપવામાં આવી હતી. શાહે મેસ્સીને 2024 T20 વર્લ્ડ કપ ટીમનું ઓટોગ્રાફ કરેલું બેટ પણ ભેટમાં આપ્યું હતું.

મેસ્સીએ સૌપ્રથમ સ્ટેડિયમમાં ચાહકોનું સ્વાગત હાથ હલાવીને કર્યું. ત્યારબાદ તેમણે રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે મળીને ફૂટબોલને દર્શકો તરફ લાત મારી, જેમાંથી એક સ્ટેડિયમના બીજા માળે પહોંચ્યો. મેસ્સીએ બાળકો સાથે ફૂટબોલ રમીને વાતાવરણને વધુ રોમાંચક બનાવ્યું.

આ પહેલા મેસ્સીની એક ઝલક જોવા માટે સ્ટેડિયમની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. તેઓ સવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચવાના હતા પરંતુ દિલ્હીમાં ભારે ધુમ્મસને કારણે તેમની ફ્લાઇટ રોકાઈ ગઈ હતી, જેના કારણે મેસ્સીને થોડા સમય માટે મુંબઈ એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. તેઓ બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચ્યા હતા.

લિયોનેલ મેસ્સી ગુજરાતના વંતારાની મુલાકાત લેશે
મેસ્સીએ 15 ડિસેમ્બર, સોમવારના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાથી ફૂટબોલ સ્ટાર લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે હવે તે ભારતમાં બીજા દિવસ માટે રોકાશે અને સુઆરેઝ સાથે ગુજરાતના વંતારાની યાત્રા કરશે. અહેવાલો અનુસાર બંને ખેલાડીઓ વંતારામાં રહેશે અને ત્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણી સાથે મુલાકાત કરી શકે છે. મેસ્સી 15 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે અથવા 16 ડિસેમ્બરની વહેલી સવારે ભારત છોડવાના હતા પરંતુ હવે તે ભારતમાં બીજી રાત વિતાવશે.

Most Popular

To Top