પેરિસ : આર્જેન્ટીના (Argentina)નો દિગ્ગજ ફૂટબોલર (Footballer) લિયોનલ મેસી (Lionel Messi) બાર્સિલોના ક્લબ (FCB)ને છોડ્યા પછી હવે પેરિસ સેન્ટ જર્મન (PSG) ક્લબ સાથે અઠવાડિયાના 1 મિલિયન પાઉન્ડ અર્થાત રૂ. 10.31 કરોડની સેલેરી (Salary) સાથે બે વર્ષના કુલ 53 મિલિયન પાઉન્ડ અર્થાત રૂ. 546.57 કરોડની ડીલ સાઇન (Sign deal) કરવા માટે આજે પોતાની પત્ની અને બાળકો સાથે પેરિસ (Paris) પહોંચ્યો હતો.
મેસી અને તેની પત્ની એન્ટોનેલાને ત્રણ બાળકો થિયાગો, માતિઓ અને સિરો સાથે મંગળવારે બાર્સિલોના એરપોર્ટ પરથી એક પ્રાઇવેટ જેટમાં ફ્રાન્સ માટે ઉડ્ડયન કરવાની રાહ જોતા જોવાયા હતા. આર્જેન્ટીનાનો સ્ટાર બપોરે પેરિસના લે બોર્ગેટ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેણે ત્યાં હાજર પોતાના ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. મેસી પછી પેરિસ લખેલા ટીશર્ટમાં જોવા મળ્યો હતો.
પીએસજીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ રર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં ડ્રેસિંગ રૂમામં નેમાર અને કિલિયન એમ્બાપ્પેની વચ્ચે ખાલી જગ્યા બતાવાઇ હતી. ફ્રેન્ચ ક્લબના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે મેસીના વકીલ રવિવારે કોન્ટ્રાક્ટના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા હતા અને આજે સવારે તેમણે તેને મંજૂર કર્યો છે. એવું માનવામાં આવે છે કે છ વારના બેલન ડિ ઓર વિજેતા મેસીના ફોટાના રાઇટ્સ અને તેના વેતન તેમજ વિવિધ બોનસ સંબંધિત અંતિમ મુદ્દાઓ સંબંધે વિચારણા ચાલી રહી છે.
મેસીનું વાર્ષિક વેતન 63 મિલિયન યુરો એટલે કે 53 મિલિયન પાઉન્ડ કે જે રૂ. 546.57 કરોડ જેટલું હશે. જે અનુસાર તેની માત્ર એક અઠવાડિયાની કમાણી 1 મિલિયન પાઉન્ડ કે જે રૂ. 10.31 કરોડ હશે. તે ફ્રાન્સના 45 ટકાના સર્વોચ્ચ ટેક્સ બ્રેકેટમાં સામેલ થશે અને તેની ટેક હોમ સેલેરી એક અઠવાડિયાની લગભગ 5,50,000 અર્થાત રૂ. 5.67 કરોડ હશે.