Sports

કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું

વિશ્વવિખ્યાત ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસના પ્રથમ તબક્કામાં કોલકાતા પહોંચ્યો છે. આજે 13 ડિસેમ્બરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન મેસ્સીનું કોલકાતામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી લઈને શહેરના અનેક વિસ્તારોમાં ચાહકો મેસ્સીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ફૂટબોલપ્રેમીઓમાં મેસ્સીના આગમનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો.

70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા મેસ્સીના સન્માનમાં બનાવવામાં આવેલા 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું મેસ્સીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. લોખંડથી બનેલી આ વિશાળ પ્રતિમામાં મેસ્સીને FIFA વર્લ્ડ કપ ટ્રોફી હાથમાં પકડેલી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના મંત્રી અને શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબના અધ્યક્ષ સુજીત બોઝે જણાવ્યું કે મેસ્સી અને તેમની ટીમને આ પ્રતિમા ખૂબ પસંદ આવી હતી અને તેમણે તેના માટે સંમતિ પણ આપી હતી.

શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી
આ ઉપરાંત ઉદ્ઘાટન દરમિયાન લિયોનેલ મેસ્સીએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેમના નાના દીકરા અબરામ સાથે પણ મુલાકાત કરી હતી. શાહરૂખ અને મેસ્સીની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને ચાહકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ મુલાકાતને રમત અને ફિલ્મ જગતના બે દિગ્ગજોની યાદગાર મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે.

મેસ્સી તેમના ભારત પ્રવાસ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. જ્યાં તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળવાના છે. વર્લ્ડ કપ વિજેતા રોડ્રિગો ડી પોલ અને ઇન્ટર મિયામી ટીમના સાથી લુઈસ સુઆરેઝ પણ મેસ્સી સાથે ભારત આવ્યા છે.

મેસ્સીના કોલકાતા પ્રવાસે શહેરને ફૂટબોલના ઉત્સાહથી ઝળહળતું બનાવી દીધું છે અને ચાહકો માટે આ ક્ષણો યાદગાર બની રહી છે.

Most Popular

To Top