આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી શનિવારે ભારત પહોંચ્યા હતા. કોલકતાના સોલ્ટ લેક સ્ટેડિયમ તેઓ ચાહકોને મળ્યા. જોકે ખેલાડી લગભગ 22 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. આનાથી સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો. ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમમાં બોટલો અને ખુરશીઓ ફેંકી. આ મામલે કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી છે. ચાહકોને ખાતરી આપવામાં આવી છે કે તેમના ટિકિટના પૈસા પરત કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો જ્યારે હજારો ચાહકો આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીને જોઈ ન શકવાથી નારાજ થઈને વિરોધ કરવા લાગ્યા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા પોલીસે લાઠીચાર્જનો આશરો લીધો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. દરમિયાન કાર્યક્રમના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. ચાહકોને ખાતરી આપવામાં આવી છે કે તેમના ટિકિટના પૈસા પરત કરવામાં આવશે.
જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી 14 વર્ષ બાદ શનિવારે ભારત પહોંચ્યા હતા. તેમની સાથે ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ પણ હતા. ત્રણેય ફૂટબોલરો સવારે 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા. સવારે 11 વાગ્યે મેસ્સીએ વર્ચ્યુઅલી તેમની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા.