સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં જીવલેણ ચાઈનીઝ દોરી બનાવવાનો કારખાનું ઝડપાયુ અને ₹9,00,000નો મુદ્દા માલ જપ્ત થયો. પ્લાસ્ટિકના દાણા બનાવવાની આડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી બનાવવામાં આવતી હતી. સુરત શહેરના પોલીસ એલસીબીની ટીમ આ સફળતાનાં હકદાર બને છે. આભાર વ્યક્ત કરવો જ રહ્યો કે પતાવટ ન કરી! ચાઈનીઝ દોરીથી ભરેલ ફિરકીઓનો પણ મોટો જથ્થો મળી આવ્યો અને તે પણ પોલીસ કબજામાં લીધી છે ત્યારે, આવા મોતના સોદાગરોને કોઈ પણ રહેમ રાહનો લાભ આપ્યા વિના સજા થવી જોઈએ.
નવાઈની વાત એ પણ છે કે દેહવિક્રય કરતા પકડાયેલ યુવક-યુવતીઓનાં ફોટા અને નામ સરનામા પ્રસિદ્ધ થાય એમ હજુ સુધી જીવલેણ ચાઈનીસ દોરી સાથે સંકળાયેલાનાં નામો કે ફોટા કેમ પ્રસિદ્ધ નથી કર્યા? ખાદ્યથી માંડીને ઢગલે બંધ વસ્તુઓ ડુપ્લીકેટ બને છે લાખો કરોડોના સર- સામાન સાથે ધમધોકાર કાર્યરત રહે છે. સફળતા મળતા મોટી મશીનરી ઓ વસાવી વર્ષોવર્ષ સુધી પ્રોડક્શન થાય છે તે કોઈ પણ સરકારી તંત્રને ખબર જ પડતી નથી તે નવાઈની વાત છે પણ તે વિસ્તારના બધા જ લોકોને બે નંબરના ધંધાની ખબર હોય છે. જ્યારે આવી ટીમમાં કોઈને અન્યાય થતો લાગે અને તે ચોક્કસ સ્થાને બાતમી આપે ત્યારે જ સરકારી તંત્ર હરકતમાં આવે છે.
સુરત – પરેશભાઈ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
