તમામ છ ઋતુઓમાં વસંતનો વૈભવ અનેરો, અનોખો હોય છે. વસંતઋતુ એ નિસર્ગના શૃંગારનો સમયગાળો. સમસ્ત પ્રકૃતિ જાણે કે જીવનમાં ઉલ્લાસ અને સર્જનનો ભાવ ભરે છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારે તરફ જયાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી છવાઈ જાય છે. પુષ્પોની તો અનોખી છટા! ગુલાબ, પચરંગી ફૂલો, સૂર્યમુખી, કમળ, પીળાં ફૂલો સાથે મોર અને કોયલના ટહુકા વસંતની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પુષ્પોની સુગંધ અને પુષ્પોથી રંગાયેલી ધરતી મનને હરી લે છે. સમગ્ર પ્રકૃતિ, પક્ષીઓ અને માનવી પણ વસંતના આગમાનમાં ગીતો ગાતાં જણાય છે. વસંત એ ઋતુનો યૌવનકાળ હોઈ વન, ઉપવન, ધરતી-પ્રકૃતિ વાસંતી વસ્ત્રો ધારણ કરે છે. સમગ્ર સૃષ્ટિ સુમધુર લાગે છે. વસંત પંચમી સરસ્વતી ઉપાસનાનું પર્વ પણ છે. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને સરસ્વતી આરાધનાના પર્વના રૂપમાં સારસ્વતોત્સવ મનાવવામાં આવે છે. સરસ્વતી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીની અને અનેક કળાઓની અધિષ્ઠાત્રી દેવી છે. વિદ્યાર્થીઓએ સારસ્વત વ્રતનું પાલન કરવું જોઈએ. ચાલો ત્યારે, સૃષ્ટિમાં સૌંદર્ય રેલાવતી વસંત જે શિક્ષા અને સંદેશ આપે છે તેનો જીવનમાં સ્વીકારી અને અમલ કરીએ. વસંત પંચમી વસંતઋતુનો આરંભ છે એટલે વસંત હવે માણીશું.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મેરા રંગ દે બસંતી ચોલા
By
Posted on