મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા પિયા મેરા જીવન તેરી પૂજા
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આ આ…
સોઉં યા મેં જાગું, સુબર-ઓ-શામ પલ પલ છીન, તુઝ સે તુઝકો માંગુ,
પા કે તુઝે, અપના બના કે, તુઝ કો હી લૌટા દૂં,
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા પિયા, મેરા જીવન તેરી પૂજા
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આ આ…
પ્યાર તેરા દૂના રામ જાને ફીર ભી કયું હૈ, જીવન સૂના સૂના (2)
કૈસે કહું, કૈસે કૈસે, દેખું મેં કોઇ સપના
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આઆ પિયા મેરા જીવન તેરી પૂજા
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આ આ…
ગીત : નીરજ, સ્વર : લતા મંગેશકર, સંગીત : સચિનદેવ બર્મન, ફિલ્મ : ‘’તેરે મેરે સપને’’, દિગ્દર્શક : વિજય આનંદ, વર્ષ : 1971, કળાકારો,: દેવ આનંદ, મુમતાઝ, હેમા માલિની, વિજય આનંદ, પ્રેમનાથ, લીલા મિશ્રા, મુમતાઝ બેગમ, મહેશ કૌલ, સપ્રુ, આગા
સચિનદેવ બર્મને હંમેશા ઉત્તમ સંગીત જ આપ્યું. ઉત્તમ સંગીત તે તેમણે જાત સાથે કરેલી શરત હતી. એ સમયે આવી શરત સાથે કામ કરનારા સંગીતકારો એકબીજાની ઉત્તમતાના સ્પર્ધક હતા. આ બધું જ બરાબર છતાં, શંકર-જયકિશન R.K. ફિલ્મ્સ માટે સંગીત આપે, તો અન્ય નિર્માતા યા સ્ટાર્સ માટેના સંગીતથી જૂદું એક ખાસ ‘R. K. તત્વ’ તેમાં ઉમેરાયેલું અનુભવાતું એવું સચિનદાના નવકેતન સાથે સગપણનું છે. દેવસાબ સાથેની નિકટતા બહુ જૂદી હતી. એ કાંઇ વ્યવસાયિક સંબંધ માત્ર નહોતા. સચિનદા નવકેતનની ફિલ્મોનું સાંગીતિક ચરિત્ર સમા હતા. મજરુહ, શૈલેન્દ્ર પછી નવકેતન માટે અપનાવેલા એક ગીતકાર નીરજ હતા. સચિનદા માટે કિશોરકુમાર ગાઈને તે વળી દેવ આનંદ માટે તો એક જૂદો જાદુ થતો તે વળી ઓર એક વાત. પણ આ ગીત નીરજ-સચિનદા- લતાજી અને પરદા પર દેવ આનંદ-મુમતાઝ અને અલબત્ત વિજય આનંદનું સર્જેલું છે.
આ ગીત જો કે સહુથી પહેલા સાંભળવું જોઇએ. કારણ કે લતાજી જ્યાં જ્યાં જે લય સાથે વિરામ લે છે, તે ગીત વડે સર્જાતો સંવાદ છે. મેરા અંતર / એક મંદિર / હે તેરા / હે તેરા / પિયા / મેરા જીવન તેરી પૂજા. સચિનદેવ બર્મન ગીતના સ્વરાંકન બનાવતી વેળા ફિલ્મમાં જે સંજોગ છે, બે પાત્ર વચ્ચે જે સંબંધ છે, એક તાણ છે, તેનો મર્મમાં બરાબર પ્રવેશે છે. નાયિકાના મનમાં પોતે જેને ચાહે છે ને જે તેનો પતિ ય છે તે સંબોધી રહી છે. મારું અંતર એક મંદિર છે તારું પછી બીજું કથન શરૂ કરે છે. ‘પિયા મેરા જીવન તેરી પૂજા’ મારું અંતર તારું મંદિર છે ને મારું જીવન(આખું તારી પૂજા છે. આ ભારતીય પતિવ્રતા સ્ત્રીનો ભાવ છે. મુમતાઝના ચહેરામાં આ ભાવ ખૂબ સહજ ઉત્કટતાથી વ્યક્ત થયા છે)
હવે અંતરો શરૂ થાય છે – ‘સોઉ યા મેં જાગું / સુબહ-ઓ-શામ / પલ પલ છીન તુઝ સે તુઝકો માંગુ.’ એ પૂર્ણપણે પ્રિયમાં ખોવાયેલી છે. સૂઈ જાઉં કે જાગું, સવાર યા સાંજ પળે પળ તારી પાસેથી તને માંગુ. આ ‘તારી પાસે તને માંગુ’ જ ખાસ છે ને એમાં જ સંબંધની કેવી ભૂમિકા છે, તીવ્રતા છે તે પામી શકાય. એકબીજાને ચાહો તો અંગત રહસ્યો, વેદનાઓ, કુંઠાઓ, અપરાધો કોઇ એકના નહીં રહે, પરસ્પરના થઇ જાય. તારી પાસે તને માંગવું તે આ બધું અનાવૃત થઇ જાય, એકબીજામાં ભળી જાય. અને પછી પંકિત છે – ‘પા કે તુઝે, અપના બના કે, તુઝ કો હી લૌટા દું.’ ‘તેરા તુઝકો અર્પણ’ આપણો સ્વીકારેલો ભાવ છે, પણ અર્પણ ત્યારે થાય જ્યારે પ્રથમ તે પ્રાપ્ત કરીએ. જેનું છે તેની પાસેથી જ પ્રાપ્ત કરવાનું ને પછી તેને જ અર્પણ કરવાનું. અહીં બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ અને પ્રેમ પામવાની પ્રક્રિયા બસ એવી જ છે. પ્રેમ પમાયાની ઉત્કટ ક્ષણોમાં આપણે પોતે પણ કયાં હોઇએ છીએ? એકાકારતા સધાય પછી પોતાનું પારકું શું? ‘પા કે તુઝે, અપના બના કે, તુઝ કો હી લૌટા દું.’ ‘મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા, પિયા મેરા જીવન તેરી પૂજા…’
પણ બીજા અંતરામાં મનોવિજ્ઞાનની એક ભૂમિકા છે. બેઉ વચ્ચે તીવ્ર પ્રેમ વચ્ચે એક છાનો બધું ઉખેડાયેલું અનુભવાય એવો, છાતીની વચ્ચોવચ્ચનો આઘાત ઉમેરાયો છે. તીવ્રતાથી ચાહતી નાયિકા ઘવાયને જાણે પોતાને સંકોરે છે ને પૂછે છે કે કેમ આવું છે, ‘પ્યાર તેરા દૂના, રામ જાને ફીર ભી, કયું હૈ જીવન સૂના સૂના’ તારો પ્રેમ તો દ્વિગુણીત છે ને તો પણ રામ જાણે જીવન કેમ સૂનું સૂનું છે? પિયુનો પ્રેમ તો અઢળક છે, પણ તેનામાં કશુંક ખૂટી ગયું છે અને તે તેના વ્યક્તિત્વ અંગેનું છે અને તે એવું છે જે નાયિકાએ ઇચ્છયું નથી. ‘કૈસે કહું, કૈસે કૈસે, દેખું મેં કોઇ સપના’ પામી લીધા પછી તો સપના ન હોય પણ તે કહે છે, તને કેવી રીતે કહું, કેવી કેવી રીતે, કેવા કેવા કોઇ સપનું જોઉં છું. ફરી એ પ્રિય બદલાઈ એવી આરત તેનામાં જાગી છે અને તે એ કારણે કે, ‘મેરા અંતર એક મંદિર હે તેરા હે તેરા, પિયા મેરા જીવન તેરી પૂજા…’
ગીત આમ તો નાનું જ છે, પણ નીરજે બે વચ્ચેનો સૂક્ષ્મ સંઘર્ષ જે દાહડતાથી ર્સ્પશ્યો છે તે ચમત્કૃતિ સમો છે. સચિનદાએ લતાજી પાસે એ સંઘર્ષ પૂરી રીતે વ્યક્ત થાય એમ ગવડાવ્યું છે. પણ સાથે જ આખું ગીત એક લયમાં બંધાયેલું છે ને એ લય તૂટયો નથી – એ સંગીતનો ય છે ને સંબંધનો પણ. સચિનદા, લતાજી, નીરજને આપણા વંદન!