ભારતીય પુરૂષ સિંગલ્સ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામેની સેમિફાઇનલ મેચ હારી ગયો હતો અને ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગયો હતો. લક્ષ્ય સેનને બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં તેને વિક્ટર એક્સેલસન સામે 21-20 અને 21-14ના માર્જિનથી પરાજય મળ્યો હતો. હવે લક્ષ્ય બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. પેરિસ ઓલિમ્પિકના 9મા દિવસે ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવ્યું છે. મેન્સ સિંગલ બેડમિન્ટનમાં લક્ષ્ય સેને ચાલુ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તેને તેની સેમિફાઇનલ મેચમાં વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો છે.
હાર પછી લક્ષ્યે શું કહ્યું?
મેચ હાર્યા બાદ લક્ષ્યે કહ્યું કે આ એક મોટી મેચ હતી પરંતુ મારે થોડી સાવધાનીથી રમવું હતું. મેં બીજી ગેમમાં સારી શરૂઆત કરી અને લીડ મેળવી પરંતુ તે જાળવી શક્યો નહીં. શરૂઆતથી જે રીતે રમત ચાલી રહી હતી એક્સેલસન આક્રમક રીતે રમી રહ્યો હતો અને હું રક્ષણાત્મક રીતે રમી રહ્યો હતો. મને લાગે છે કે મારે એટેકિંગ રમવું જોઈએ. હવે હું બ્રોન્ઝ મેડલ માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. મને આ મેચ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દર્શકોએ મને ખૂબ પ્રોત્સાહિત કર્યા અને મારા માતા-પિતા પણ અહીં છે તેથી મને હિંમત મળે છે. હું આશા રાખું છું કે દર્શકો તરફથી મને જે પ્રકારનું સમર્થન મળ્યું છે તે જ કાલે જ્યારે હું બ્રોન્ઝ મેડલ માટે જઈશ ત્યારે પણ આવું જ હશે.
ભલે લક્ષ્ય સેમિફાઇનલમાંથી બહાર થઈ જતાં ફાઇનલમાં ક્વોલિફાય ન થઈ શક્યો, પરંતુ તેની પાસે હજી પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. લક્ષ્ય ઓલિમ્પિક સેમી ફાઈનલ મેચ રમનાર પ્રથમ ભારતીય પુરૂષ સિંગલ્સ ખેલાડી છે. તેની પાસે આ મેચ જીતીને ભારત માટે મેડલ સુનિશ્ચિત કરવાની તક હતી, પરંતુ તે તેમ કરી શક્યો નહીં. હવે લક્ષ્ય બ્રોન્ઝ મેડલ માટે રમશે. લક્ષ્યનો બ્રોન્ઝ મેડલ માટે સાતમા ક્રમાંકિત મલેશિયાના જિયા જી લીનો સાથે મુકાબલો થશે. સોમવારે બ્રોન્ઝ માટે બંને ખેલાડીઓ વચ્ચે મુકાબલો થશે.