પહેલાના સમયમાં પરિવારમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના હતી.એક પરિવારમાં વીસ પચ્ચીસ સભ્યો એક સાથે રહેતા હતા.સંયુક્ત કુટુંબ માં રહેવું એ સામાન્ય બાબત હતી.મહિલાઓ ઘરમાં રસોઈ કરતી હોય,પુરુષો કામધંધો કરતા હોય,વડીલો ઓટલા પર મહાલતા હોય અને બાળકો આંગણામાં રમતા હોય ત્યારે ઘર એક મંદિર જેવું લાગે. વડીલોનો પરિવાર પર ધાક હતો,વડીલો નો એક આદેશ બહાર પડે તેનો પરિવારના તમામ સભ્યો પાલન કરતા. પરિવારમાં માંડ એક ફોન નું ડબલુ હતું.એનો ઉપયોગ માત્ર વેપાર પૂરતો થતો.સગા સંબધીઓ ના ખબર અંતર કાઢવા રૂબરૂજ જતા.ઘરમાં માત્ર એક નાનું રેફ્રિજેટર હોય તો ભયો ભયો. ઘરમાં એકાદ બજાજ નું સ્કુટર હોવું એ સમાજમાં પ્રતિષ્ઠા ગણાતી.
સાયકલ જ પરિવહનનું સાધન હતું.પરીણામે શેરીઓમાં પાર્કિંગની સમસ્યા હતી નહિ.સુરતમાં રોડ રસ્તાઓ નાના હોવા છતાં ટ્રાફિક જેવો શબ્દ કયાં હતો.? રસ્તા પર ઘોડાગાડી દોડતી,ઓટો રીક્ષા નહિવત હતી. ઘરમાં રેડિયો સાંભળવાની મજા કઈ અલગ હતી.શિલોન પર આવતું અમીન શયાનીનું ‘બિનાકા ગીતમાલા’ ટોળે વળી સાંભળતા.શિક્ષણ ક્ષેત્રે,ભાર વગરનું ભણતર હતું.બાળકો શાળાએ થી આવી ભોજન કરી, સીધા મોહલ્લા માં રમતો રમવા લાગી જતા, જે મોડી સાંજ સુધી મોહલ્લો ઓલિમ્પિક નું મેદાન લાગે.આવકના સ્ત્રોત ઓછા હતા,ખર્ચા તોલી માપીને કરતા.સાદગી ભર્યું જીવન હતું.પરિવારમાં હળીમળીને રહેતા હતા.ભલે ભૌતિક સુખ ઓછુ હતું પણ લોકો માનસિક રીતે સુખી હતા.!
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અતિ સર્વત્ર વર્જયેત્
જીવનમાં હંમેશા અતિનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત્ જીવનમાં કોઈ પણ બાબતની અતિ ન કરવી. પ્રશ્ન છે કે આપણે જરૂરી સંતુલન રાખી શકીએ છીએ કે કેમ? પ્રત્યુત્તર મોટે ભાગે નકારમાં આવે. જાહેરમાં ગાળાગાળી-મારામારી સામાન્ય બની ગઈ છે. જીભને કાબૂમાં રાખવી જોઈએ પણ કેટલાક વાતવાતમાં અવિવેક કરી અનર્થ સર્જવાનો વિક્રમ કરે છે. ખીજાયેલો માણસ ખોટાં કૃત્યો કરીને હદ ઓળંગીને વર્તન કરે છે. વિવેકની લક્ષ્મણરેખા પાર કરી એકબીજા પ્રત્યે વેર રાખી વાણીમાં એવી કડવાશ લાવે કે જેનાથી બીજી વ્યક્તિને દુઃખ પહોંચે છે, એ પણ યાદ રહેતું નથી.
નિરર્થક બોલ્યા કરવાથી બીજાની સાથે પોતાને પણ હાનિ થાય છે, તે પણ ધ્યાનમાં રહેતું નથી. ક્રોધમાં વ્યક્તિ મર્યાદા બહાર જઈ વર્તન કરે તેવા અગણિત કિસ્સા વર્તમાનપત્રોમાં ચમકતા રહે છે. કોઈકે કહ્યું છે કે, ક્રોધ એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે, જે ભાન ભુલાવી દે છે. સામે મૌન રાખનારને ફાયદો થાય છે પણ હૃદય પર ઘા તો ચોકકસ પડે છે. બોલવા-ચાલવામાં, ખાવા-પીવામાં, મજાક-મશ્કરીમાં જેવી અનેક બાબતોમાં સીમા ઓળંગવામાં જોખમ છે. એટલે કહેવાયું છે: “અતિ સર્વત્ર વર્જયેત્.” ચાલો, પરસ્પર આદર્શ વ્યવહાર અપનાવીએ, સંતુલન શીખીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.