સોજિત્રા : ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. દ્વારા પીપળાવ દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને રોજેરોજ દૂધના નાણા મળી રહે તે માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે સંદર્ભે તમામ સભાસદોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જેની મદદથી રોજેરોજ નાણા મેળવી શકાશે. આ પાયલોટ પ્રોજેક્ટની મદદથી પીપળાવ દૂધ મંડળી રાજ્યની પ્રથમ મંડળી બનશે.
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન તેજસભાઈ પટેલની ઉપસ્થિતિમાં પીપળાવ દૂધ ઉત્પાદક મંડળી ખાતે ‘જિલ્લા બેંક, આપની બેંક, આપના દ્વારે’ સૂત્ર અંતર્ગત વિવિધ ધિરાણ યોજનાઓ જેવી કે પશુપાલન, કેસીસી ધિરાણ યોજના, તહેવાર કે રંગ, કેડીસીસી બેંક કે સંગની માહિતી આપતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, પીપળાવ ગામની દૂધ મંડળીમાં પશુપાલન કેસીસી ધિરાણ યોજના જેને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દૂધ મંડળીમાં દૂધ ભરતા સભાસદોને દરરોજ પોતાના દૂધના નાણા મળી શકે તેવી વ્યવસ્થા થશે. જેનો સભાસદોને ખૂબ ફાયદો થશે. આ યોજના હેઠળ સભાસદોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ પોતાના દૂધ બિલની આવકના નાણા અનુસાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પોતાના જ ગામમાં કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવી શકશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બેંક દ્વારા થનારી કામગીરી અંગે સૌને માહિતગાર કર્યા હતાં. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બેંકના સભાસદો, વેપારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પીપળાવ દૂધ મંડળીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ અને ઉપસ્થિત સૌ દૂધ મંડળીના સભાસદો વેપારીઓ અને ગામના આગેવાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ દૂધ મંડળીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ચેરમેન તેજસભાઈ પટેલનું પુષ્પગુથી સ્વાગત કરવામાં આવ્યું હતું.