Sports

મેલબોર્ન ટેસ્ટ: ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કોન્ટાસને ધક્કો મારવા મામલે કોહલીને મેચ ફીનો 20% દંડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પહેલા જ દિવસે મેદાન પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરમાં વિરાટ કોહલી અને 19 વર્ષના સેમ કોન્સ્ટાસ વચ્ચે ટક્કર થઈ હતી. બંનેના ખભા અથડાયા હતા. હવે આ મામલાએ ICCનું ધ્યાન ખેંચ્યું છે. ICCએ આ બાબતની સમીક્ષા કરી છે. વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સજા પણ કરવામાં આવી છે તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે.

ICCએ ભારતીય ખેલાડી વિરાટ કોહલીને દંડ ફટકાર્યો છે. મેચ રેફરી એન્ડી પાએક્રોફ્ટે કોહલીની મેચ ફીના 20% કાપ્યા છે. એક ડી-મેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ દંડ કોહલી પર મેદાન પર ખરાબ વર્તન માટે લગાવવામાં આવ્યો છે. 37 વર્ષીય ભારતીય બેટ્સમેને તેની ડેબ્યૂ મેચ રમી રહેલા 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓપનર સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યો અને દલીલ કરી હતી. આ ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી અને 11મી ઓવરની વચ્ચે બની હતી. કોહલીએ રેફરીની સામે સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી હતી.

એક ડીમેરિટ પોઈન્ટ મળ્યો
કોહલીને એક ડી-મેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. ડી-મેરિટ પોઈન્ટ એ ખેલાડીઓને ખરાબ વર્તન અથવા કોઈપણ નિયમોનો ભંગ કરવા બદલ આપવામાં આવતી પેનલ્ટી સિસ્ટમ છે. જો બેથી વધુ ડી-મેરિટ પોઈન્ટ હોય તો ખેલાડીઓ પર એકથી વધુ ટેસ્ટ, ODI અથવા T20 મેચ માટે પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

આચારસંહિતા શું કહે છે?
ICC આચાર સંહિતા અનુસાર ક્રિકેટમાં ભલે અજાણતાથી પરંતુ બેદરકારી પૂર્વક દોડવું, ચાલવું, અન્ય ખેલાડી સાથે ટકાવું અથવા તો ખભે થી ખભા મેળવીને ચાલવાનું અનુમતી નથી. આવું કરવું ICC લેવલ-1નું ઉલ્લંઘન માનવામાં આવે છે. અમ્પાયર સાથે આવું કરવું એ લેવલ-3નું ઉલ્લંઘન છે. લેવલ-1 અને લેવલ-2નું ઉલ્લંઘન 1 થી 2 ડી-મેરિટ પોઈન્ટ્સ સાથે શૂન્યથી 50 ટકા મેચ ફી લાગે છે.

કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે પણ ટકરાયા હતા
19 ડિસેમ્બરે મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે ઝઘડો થયો હતો. તેઓ મીડિયાને પરિવારના ફોટોગ્રાફ્સ લેવાની ના પાડી રહ્યા હતા પરંતુ ચેનલ 7 ના પત્રકારે ફોટો લીધો હતો. તેના પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યું કે એરપોર્ટ પબ્લિક પ્રોપર્ટી છે.

Most Popular

To Top