National

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીની કાર અકસ્માતગ્રસ્ત

શ્રીનગર: પીડીએફ (PDP) ચીફ મહેબૂબા મુફ્તીની (Chief Mehbooba Mufti) સ્કોર્પિયો કાર (Scorpio car) આજે ગુરુવારે અકસ્માતગ્રસ્ત (Accident) થઇ હતી. મુફ્તી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન તેમની સાથે કારમાં સુરક્ષાકર્મીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતના પગલે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને તમામ સુરક્ષિત છે.

મળતી માહિતી મુજબ મહેબૂબા મુફ્તી શ્રીનગરથી અનંતનાગ જિલ્લા જવા રવાના થયા હતા. આ દરમિયાન અનંતનાગમાં સંગમ બિજબેહરા પાસે તેની કારને અકસ્માત નડ્યો હતો.અહેવાલ છે કે મુફ્તી આગ પીડિતોને મળવા અનંતનાગના ખાનબલ જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહેબૂબા મુફ્તીને અન્ય વાહનમાં તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની કાર સંગમ પાસે બીજી કાર સાથે અથડાઈ હતી. તે ગત રાત્રીના આગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મળવા ખાનબલ જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ખાનબલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા.

સમગ્ર મામલે અબ્દુલ ગની વાની, અશરફ પુશુ, સજ્જાદ વાની, મુશ્તાક હાંદ્રુ, નિસાર અહેમદ ગડ્ડા, બેબી જાન, મુખ્તાર અહેમદ અને જાવેદ અહેમદ શકસાજના ઘરોને આગમાં નુકસાન થયું છે. આ સંદર્ભે પોલીસ તપાસમાં લાગેલી છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના અકસ્માતના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ “સાંભળીને ખુશ છે” કે તેઓ કોઈપણ ઇજા વિના બચી ગયા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “જાણીને આનંદ થયો કે મહેબૂબા મુફ્તી માર્ગ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયા છે. આ ખૂબ જ ગંભીર ઘટના બની શકે છે. મને આશા છે કે સરકાર અકસ્માતની તપાસ કરશે.’’

મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી, જે પીડીપી પ્રમુખની મીડિયા સલાહકાર પણ છે, તેણે પુષ્ટિ કરી કે તેની માતા સુરક્ષિત છે. તેમજ ઇલ્તિજા મુફ્તીએ X પર પોસ્ટ કરી કહ્યું કે, “શ્રીમતી મુફ્તીની કારને આજે અનંતનાગમાં એક ભયંકર અકસ્માતનો ભોગ બનવું પડ્યું. ભગવાનની કૃપાથી તે અને તેના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા વિના બચી ગયા છે.”

Most Popular

To Top