Trending

શાહી પરિવારના રીત-રિવાજોને કારણે મેગન માર્કલનો જીવ પેલેસમાં કેવો ઘુંટાતો હતો તે વિશે વાત બહાર આવી!

વિશ્વના પ્રખ્યાત શાહી પરિવારમાંના એક બ્રિટનના શાહી પરિવારના (Britain’s royal family) રાજકુંવર પ્રિન્સ હૅરી (Prince Harry) અને તેમનાં પત્ની મેગન માર્કલ પરિવારથી અલગ થઈ ગયાં છે, એ સૌ કોઈ જાણે છે પણ તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ શાહી કપલે એવી વાતો કરી કે ત્યાર પછી બ્રિટનના શાહી પરિવાર પર વંશીય ભેદભાવનો આરોપ લાગી રહ્યો છે. આ અંગે શાહી પરિવારે પણ હવે સ્પષ્ટતા કરવી પડી છે. પ્રિન્સ હેરી અને મેગન માર્કલ (Meghan Markle) જાણીતાં ટીવી પર્સનાલિટી ઓપ્રા વિનફ્રે સાથેના એક ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં આવી ગયાં છે. સમજો કે, આ ઇન્ટરવ્યૂ પછી બ્રિટનના શાહી પરિવારમાં મોટા ઘરની વહુએ ખોરડાં વગોવ્યાં જેવો ઘાટ ઊભો થયો છે.

ઓપ્રા વિનફ્રે સાથેના ઇન્ટરવ્યૂમાં શાહી કપલે ઘણી એવી વાતો કહી છે જેના કારણે બ્રિટનનો રૉયલ પરિવાર ફરી ચર્ચામાં આવી ગયો છે. આ ઇન્ટરવ્યૂમાં મેગને દાવો કર્યો હતો કે શાહી પરિવાર તેમના પુત્ર આર્ચીને પ્રિન્સ બનાવવા ઈચ્છતો નહોતો કેમ કે તેના જન્મ અગાઉ જ તેમને ડર હતો કે ક્યાંક તેનો રંગ બ્લેક ન હોય. તેને લઈને આર્ચીના જન્મ પહેલાં શાહી પરિવારે પ્રિન્સ હૅરી સાથે ચર્ચા કરી હતી. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના હેરીના પુત્ર આર્ચી સહિત ચાર પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ છે. તેમાંથી માત્ર પ્રિન્સ હૅરીના મોટાભાઈ પ્રિન્સ વિલિયમ્સનાં ત્રણ બાળકોને જ પ્રિન્સ અને પ્રિન્સેસની ઉપાધિ આપવામાં આવી છે.

આવું કેમ છે? અને પરિવારમાં ડખો ક્યાંથી શરૂ થયો એ જાણવા માટે થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ. ૧૯૧૭માં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હૅરીના પરદાદા કિંગ જ્યોર્જ પંચમે એક નિયમ બનાવ્યો હતો. આ નિયમમાં શાહી પરિવારના સભ્યોને મળનારી પ્રિન્સ અને પ્રિન્સેસની ઉપાધિની સંખ્યા સીમિત કરી દેવાઈ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજગાદી પર જે પણ હશે, તેના પુત્રોને પ્રિન્સની ઉપાધિ આપવામાં આવશે. રાજા કે મહારાણીના સૌથી મોટા પુત્ર અને તેના વંશને જ આ ઉપાધિ મળી શકે. હાલના સમયમાં પ્રિન્સ ચાર્લ્સ મહારાણીના મોટા પુત્ર છે. તેમના પુત્રો પ્રિન્સ વિલિયમ અને હૅરીને પણ આ ઉપાધિ મળી છે. આ રીતે મોટા પૌત્રના પુત્ર પ્રિન્સ વિલિયમના પુત્ર પ્રિન્સ જ્યોર્જને જ ઉપાધિ મળી શકે.

જો કે, મહારાણી ઈચ્છે તો આ નિયમમાં ફેરફાર કરી શકે છે. ૨૦૧૨માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયે નિયમમાં ફેરફાર કર્યો હતો. તેમણે પ્રિન્સ વિલિયમનાં તમામ બાળકોને પ્રિન્સ અને પ્રિન્સેસની ઉપાધિ આપવાનો આદેશ જારી કર્યો હતો. ૨૦૧૫માં પ્રિન્સ વિલિયમના પુત્ર જ્યોર્જને પ્રિન્સનું ટાઇટલ મળ્યું હતું. ત્યારબાદ તેમનાં બહેન પ્રિન્સેસ શર્લે અને ભાઈ પ્રિન્સ લૂઈને પણ આ ઉપાધિ મળી હતી. બીજી તરફ જ્યોર્જ પંચમના બનાવેલા નિયમ અનુસાર હૅરીનો પુત્ર આર્ચી પ્રિન્સ ન બની શકે પરંતુ જેવા પ્રિન્સ હૅરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે તો આર્ચી રાજાના પુત્રના મોટા પુત્ર હોવાના નાતે પ્રિન્સની ઉપાધિ મેળવી શકે છે.
મેગન મર્કલે ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, તેમને કહેવામાં આવ્યું કે એ લોકો આર્ચી માટે પરંપરાને બદલવા માગે છે. જો કે, એ સ્પષ્ટ થયું નથી કે તેઓ એવું શા માટે કહી રહ્યાં હતાં. ખરેખર પ્રિન્સ ચાર્લ્સ શાહી પરિવારનું કદ નાનું હોય તેની તરફેણમાં છે. મતલબ કે, ચાર્લ્સના રાજા બન્યા પછી પૌત્ર આર્ચીને પ્રિન્સની ઉપાધિ મળી જ જશે એવું ન કહી શકાય. સૌથી મોટો ડખો આ જ છે. મેગન માર્કલે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈ પદવી વિના આર્ચીને કોઈ પ્રકારની સિક્યુરિટી નહીં મળે. પ્રિન્સ અને પ્રિન્સેસ જેવી શાહી પદવી મળ્યા પછી પણ સિક્યુરિટી આપવાનો કોઈ નિયમ નથી. માત્ર રાજગાદી પર બેઠેલાં રોયલ્સને જ પોલીસ બોડીગાર્ડ મળે છે. શાહી પરિવારના એવા સભ્યો કે, જેઓ પરિવારની બહાર રહીને જોબ કરે છે તેમને સિક્યુરિટી મળતી નથી. પ્રિન્સ એન્ડ્રુના પુત્રી પ્રિન્સેસ બેટ્રિક અને પ્રિન્સેસ યુઝેનને સિક્યુરિટી ક્યાં આપવામાં આવે છે?

શાહી પરિવારથી અલગ થવા પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ગાદી પર બેસવાનો મોકો મળવાનો જ નથી તો ઘૂંટી ઘૂંટીને જીવવાનું શા માટે? મેગનના પુત્ર આર્ચી પ્રિન્સ બન્યા હોત તો તેઓ રાજગાદીના દાવેદારોમાં સાતમા નંબરે હોત! કઈ રીતે સમજો, મહારાણી એલિઝાબેથ પછી પ્રિન્સ ચાર્લ્સ રાજગાદી પર બેસશે. તેના પછી પ્રિન્સ વિલિયમ અને તેમનાં ત્રણ બાળકોનો નંબર આવે છે. પ્રિન્સ હૅરી દાવેદારોમાં છઠ્ઠા અને તેમના પુત્ર આર્ચી સાતમા નંબરે આવે છે. પરિણામે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પૌત્ર હૅરી અને મેગને ગત વર્ષે માર્ચમાં ફ્રન્ટલાઇન રોયલ ડ્યુટી છોડી દીધી હતી અને હવે તેઓ કેલિફોર્નિયામાં રહે છે. ગત વર્ષે જાન્યુઆરીમાં જ બંનેએ ડ્યુક ઓફ સસેક્સ અને ડચેસ ઓફ સસેક્સની શાહી ઉપાધિ છોડવાનું એલાન કર્યું હતું. પ્રિન્સ હૅરી અને મેગને મે,૨૦૧૮માં લગ્ન કર્યા હતા. તેમના પુત્ર આર્ચીનો જન્મ ૨૦૧૯માં થયો હતો. ટૂંક સમયમાં જ બંને બીજી વાર માતાપિતા બનવાનાં છે. તેમણે કહ્યું કે તેમને આ વખતે પુત્રી થશે.

અલબત્ત, શાહી ખોરડાને વગોવવાની વાત કરીએ તો આખો મામલો હૅરી અને મેગનના ઓપ્રા વિનફ્રે સાથેના ઇન્ટરવ્યૂ પછી દુનિયા સામે આવ્યો છે. અમેરિકન ન્યૂઝ ચેનલ સીબીએસ પર ૭ માર્ચે પ્રસારિત ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું હતું કે, ‘‘મને શાહી પરિવાર વિશે એટલો જ ખ્યાલ હતો, જેટલું મારા પતિ હૅરીએ મને જણાવ્યું હતું. લોકોની ધારણા પ્રમાણે આ પરીઓની દુનિયા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે.’’ આ મુલાકાતમાં મેગને એવું પણ કહ્યું કે, ‘‘એક એવો પણ વખત આવ્યો હતો જ્યારે જીવવાની તમામ ઈચ્છા ખતમ થઈ ગઈ હતી!’’ મેગનની આ શોકિંગ ટિપ્પણી બદલ પણ ચર્ચાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘‘જ્યારે હું મહારાણીને મળવા માટે પહેલી વખત જઈ રહી હતી ત્યારે તેઓ વિન્ડસર કૅસલમાં હતાં, મને હૅરીએ પૂછ્યું કે તને મહારાણીને મળતી વખતે અનુસરવાની ઔપચારિકતા વિશે ખબર છે? મારી માટે આ વાત ચોંકાવનારી હતી. મને ખ્યાલ નહોતો કે કોઈ પ્રાઇવેટ મુલાકાતમાં પણ અહીં ઔપચારિકતાનું પાલન કરવું પડશે. જો કે, હું ઔપચારિકતાઓ શીખી અને મહારાણીને મળી હતી.’’ મેગને ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે તેમણે પ્રિન્સ હૅરી સાથે જાહેર સમારોહના ત્રણ દિવસ પહેલાં જ લગ્ન કરી લીધાં હતાં.

મેગને જણાવ્યું કે, ‘‘અમે અર્ચબિશપ ઑફ કૅન્ટબરીને કહ્યું હતું કે આ સમારોહ દુનિયા માટે હશે પણ અમે ઈચ્છીએ છીએ કે અમારા લગ્ન દુનિયાથી દૂર અમારી માટે થાય. આપણે સ્ટોરીઓમાં કે ફિલ્મોમાં જોયું છે એવું જ વર્ણન મેગને તેની પહેલી મુલાકાતનું કર્યું હતું. વર્ષ ૨૦૧૮ની મહારાણી સાથેની પહેલી જાહેર મુલાકાત વિશે મેગને કહ્યું કે, ‘‘મને મહારાણીએ મોતીનો સેટ ભેટમાં આપ્યો હતો.’’ અલબત્ત, મેગનની વાતોથી એવું લાગે છે કે, શાહી પરિવારમાં વિવિધ પરંપરાઓને કારણે તે કમ્ફર્ટેબલ ન હતી. શાહી પરિવાર સાથે રહેવાના અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘‘લગ્ન પછી અનેક દિવસો સુધી એકલતા અનુભવતી હતી. એટલી એકલતા મેં મારાં જીવનમાં કદી નથી જોઈ. અનેક પ્રકારના નિયમોથી બાંધી દેવામાં આવી હતી. હું મિત્રો સાથે લંચ માટે બહાર જઈ શકતી ન હતી. હું હૅરી સાથે એકલતા નહોતી અનુભવતી પણ જ્યારે હૅરી કામથી બહાર હોય ત્યારે ઘણી એવી પળો હતી જ્યારે હું બહુ જ એકલતા અનુભવતી હતી. મેગને એવો પણ આક્ષેપ કર્યો છે કે, અનેક બાબતો શીખવાની મને પરવાનગી નહોતી. એટલે જ કદાચ એકલતા વધતી ગઈ હતી.’’

બીજી તરફ આ મામલે બકિંગહામ પેલેસે સ્પષ્ટતા કરી છે. મહારાણીની તરફથી એક નિવેદન જારી કરાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શાહી પરિવારને એ જાણીને દુઃખ થયું કે છેલ્લાં કેટલાંક વર્ષો હેરી અને મેગન માટે પડકારરૂપ રહ્યાં હતાં. બંનેએ ઉઠાવેલા મુદ્દા, ખાસ કરીને વંશભેદ સાથે જોડાયેલો મામલો ચિંતાજનક છે. શક્ય છે કે લોકોને કેટલીક ચીજો અલગ અલગ રીતે યાદ હોય, પરંતુ તેને ખૂબ ગંભીરતાથી લેવાઈ છે. શાહી પરિવારમાં આના પર અંગત રીતે વાત કરવામાં આવશે. શાહી પરિવારના સભ્ય હેરી, મેગન અને તેમના પુત્ર આર્ચીને હંમેશાં ખૂબ પ્રેમ આપીશું. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, શાહી પરિવાર માટે પ્રિન્સ હૅરી અને મેગન હંમેશાં સ્નેહપાત્ર પરિવારના સભ્યો રહેશે. બીજી તરફ ધ ડ્યુક ઑફ કૅમ્બ્રિજ પ્રિન્સ વિલિયમે કહ્યું છે કે બ્રિટનનો શાહી પરિવાર નસલવાદી પરિવાર નથી. પ્રિન્સ વિલિયમે એવું પણ કહ્યું હતું કે, મેં હજી સુધી હૅરી સાથે વાત નથી કરી પરંતુ તેઓ જલદી જ વાત કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top