Gujarat

ગાંધીનગરમાં 1000 કરોડની જમીન માટે મેગા ડિમોલિશન

ગાંધીનગરમાં આજે તા. 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 1000 કરોડની માતબર રકમની પેથાપુર વિસ્તારમાં જીઈબીની પાછળ નદીકિનારે આવેલી સરકારી જમીન માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 10 જેસીબી અને 15 હાઈવા ટ્રક લઈ ઉતરી છે. કોઈ છમકલું ન થાય તે ધ્યાન રાખવા 700 પોલીસ જવાનોનો કાફલો સવારથી બંદોબસ્તમાં તૈનાત થઈ ગયો છે. આ મેગા ડિમોલિશનમાં અંદાજે 150થી વધુ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું કે આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપરના દબાણ હટાવવા માટે સવારે 4 વાગ્યાથી 20 ટીમ કોર્પોરેશન અને આરએન્ડબી તરફથી પોલીસકર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે. 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.

દબાણકર્તાઓએ નોટીસનો જવાબ ન આપતા ડિમોલિશન
સરકારી જમીન પર ગેરકાયદે વસાહત ઉભી કરનારા દબાણકર્તાઓને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ દબાણ દૂર કરવા નોટીસ ફટકારાઈ હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ગેરકાયદે બાંધકામ કરનારાઓએ કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા. છેલ્લે 10 સપ્ટેમ્બરે આખરી નોટીસ ફટકારાઈ હતી. જેની સમયમર્યાદા પુરી થતા આજે ડિમોલિશન કામગીરી શરૂ કરાઈ છે.

Most Popular

To Top