Comments

ભગવાન સાથે મુલાકાત

એક માણસ ખૂબ જ સફળ, શ્રીમંત અને અભિમાની.વેપારી આલમમાં તેનો ડંકો વાગે,ઘરમાં બધા પડ્યો બોલ ઝીલે, ખુશામત કરનારાં મિત્રો આગળ પાછળ જીહજુરી કરતા હોય.તે માણસને વેપારમાં ખૂબ મોટી ખોટ ગઈ; તે આર્થિક સંકટમાં સપડાયો હતો અને બધા તેનો સાથ છોડવા લાગ્યાં; જીહજુરી કરતાં મિત્રો ગાયબ જ થઇ ગયાં.વેપાર ઘટી ગયો.ઘરમાં પણ બધાં તેને જ દોષ આપી રહ્યાં હતાં.હવે જીવનમાં આગળ શું થશે તેની ચિંતા કરતાં કરતાં મનમાં પ્રાર્થના કરતાં કરતાં સૂઈ ગયો અને સપનામાં આવ્યા ભગવાન.

તે માણસે ભગવાનને પૂછ્યું, ‘પ્રભુ, તમે મારી સાથે આમ કેમ કર્યું? મને સફળતાના શિખર પરથી સીધો નીચે પાડ્યો.આખેઆખો તોડી નાખ્યો.મારી પાસે કંઈ નથી રહ્યું અને બધા જ મારો સાથ છોડી રહ્યા છે.પ્રભુ હું શું કરું?’ ભગવાને કહ્યું, ‘જે થયું તે મેં તારા સારા માટે જ કર્યું છે.જે છૂટી ગયું છે તેને છૂટી જવા દે.જે તને છોડીને જઈ રહ્યા છે તેને જવા દે.’

માણસ બોલ્યો, ‘તો પ્રભુ, જો બધું જ જવા દઉં તો પછી હું ખાલી થઇ જઈશ. મારી પાસે કંઈ બચશે જ નહિ.’ભગવાને કહ્યું, ‘ના, એમ નથી, જે તારા માટે જરૂરી હશે, ઉપયોગી હશે, મહત્ત્વનું હશે,જે માત્ર તારું જ હશે તે તારી પાસે રહેશે.જેમકે તારી પત્ની અને બાળકો તેમનો પ્રેમ સાચો છે. તેઓ તને છોડીને ક્યાંય નહિ જાય.તારાં માતા-પિતા તને આજે પણ એટલા જ આશિષ આપશે.તારી આવડત,તારો અનુભવ,તારી ભૂલોમાંથી શીખેલો પાઠ.આ બધું તારી પાસે જ રહેશે.’

માણસ બોલ્યો, ‘પણ પ્રભુ, હું ખૂબ જ રાજશાહી જીવન જીવ્યો છું અને હવે જીવનમાં આવી રહેલા બદલાવ માટે હું તૈયાર નથી.મને આ પરિવર્તનનો ડર લાગે છે.’ ભગવાને કહ્યું, ‘માણસ, ડર નહિ,તું બદલાઈ નથી રહ્યો, તું નવો બની રહ્યો છે.’ માણસ બોલ્યો, ‘હું જે હતો તે નથી રહ્યો; તો વળી હવે હું શું બની રહ્યો છું.’ભગવાન બોલ્યા, ‘તું સાચો માણસ; જેવો મેં બનાવ્યો હતો તે બનીશ.મેં તને જીવન આપ્યું, સુખના આશિષ આપ્યા પણ તેં પ્રેમ અને સેવાને ભૂલીને અભિમાન કર્યું એ તારી ભૂલ હતી. હવે તું ફરી પ્રેમ, લાગણી, દયા, નવજીવનની આશા સાથે નવી શરૂઆત કરીશ. હિંમત રાખજે અને જો સાચા રસ્તે આગળ વધીશ તો હું તને દરેક રસ્તે સાથે જ મળીશ.’ માણસની આંખો બરાબર ખૂલી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top