મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંગળવારે શુભેચ્છા મુલાકાત મુંબઇ સ્થિત ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ લીધી હતી
ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલની ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સિસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલિનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી હતી.
કોબ્બી શોષાનીએ ખાસ કરીને વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીમાં ઇઝરાયલ વર્લ્ડ લીડર છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે ઇઝરાયલ ગુજરાત કો-ઓપરેશન, કો-ઓર્ડીનેશન અને મિચ્યુઅલ પાર્ટનરશીપથી આગળ વધી શકે તેમ છે.
તેમણે કોરોનાના કપરાકાળમાં ભારતે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને વેક્સિન પહોંચાડવાનો જે માનવતાવાદી અને બંધુત્વ ભાવ પ્રેરિત કર્યો છે તેની પણ સરાહના કરી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલેટ જનરલની ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ-ભારતના સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે તેની પણ ભૂમિકા આપી હતી. પટેલે જળવ્યવસ્થાપન-વોટર મેનેજમેન્ટ અને સાયબર સિક્યુરિટીની ઇઝરાયલની એક્સપર્ટીઝનો ગુજરાતને લાભ મળે તે માટેની તત્પરતા પણ દર્શાવી હતી.
પટેલે આઇ-ક્રિયેટના સેન્ટર ઓફ એક્સલન્સ, વેજિટેબલ અને ખારેક-ખજૂર માટેના રિસર્ચ અને સેન્ટર ઓફ એક્સલન્સમાં ઇઝરાયલનો જે સહયોગ મળ્યો છે તેમજ ડિસેલિનેશન પ્લાન્ટસની ઇઝરાયલ પેટ્રનનો લાભ પણ ગુજરાતને મળ્યો છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખીને કઇ રીતે વિકાસ સાધી શકાય તેનું દર્શન સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રથી દુનિયાને કરાવ્યું છે.
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કર્યુ છે તેની અવશ્ય મુલાકાત લેવા મુખ્યમંત્રી પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને આગ્રહ કર્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં આગામી વાયબ્રન્ટ સમિટ ર૦રરમાં ઇઝરાયલ સહભાગી થાય તેવું નિમંત્રણ આપતાં અગાઉની વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલના પ્રતિનિધિમંડળોની મુલાકાત તેમજ પૂર્વ વડાપ્રધાન નેતન્યાહૂની ગુજરાતની સફળ મુલાકાતની સ્મૃતિ તાજી કરી હતી