SURAT

‘કોઈ હેરાન કરે તો ફોન કરજો’, સચીનના ઉદ્યોગકારોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોબાઈલ નંબર આપ્યા

કોઈ હેરાન કરતું હોય તો અમારો સંપર્ક કરજો, પોલીસે સચીન GIDCના ઉદ્યોગકારોને પોતાના મોબાઈલ નંબરો આપ્યા
તાજેતરમાં સચીન જીઆઈડીસીમાં થયેલા ખંડણી કાંડ બાદ ઉદ્યોગકારો અને પોલીસ સતર્ક થઈ છે. પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી, જેમાં પોલીસ દ્વારા ઉદ્યોગકારોને કેટલીક મહત્ત્વની સૂચના આપવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સૂચનાના પગલે ગઈકાલે તા. 3 માર્ચે સચીન નોટીફાઈડ કચેરી ખાતે એક મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત નોટીફાઈડના ચેરમેન મિતુલ મહેતા, સોસાયટી પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયુર ગોળવાલા સહિત આશરે 35 જેટલાં અલગ અલગ ઔદ્યોગિક એકમોના માલિકો હાજર રહ્યાં હતાં.

આ મિટીંગનો મુખ્ય હેતુ સચીન વસાહતના ઉદ્યોગકારોને ધંધાકીય પ્રવૃત્તિઓમાં કોઈ અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ખોટી હેરાનગતિ કે કનડગત થતી હોય તો તાત્કાલીક કોઈપણ જાતના ડર કે સંકોચ વગર પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી હતી.

આ સાથે જ મિટિંગમાં હાજર ઉચ્ચ અધિકારીઓએ પોતાના મોબાઈલ નંબરો ઉદ્યોગકારોને આપ્યા હતા. જે નંબર ઉપર પોલીસ સાથે સીધો સંપર્ક કરવા તથા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ મળી જાણ કરવા સૂચના આપી હતી. આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે એક નોડલ ઓફીસરની નિમણૂંક થાય તે માટે સોસાયટી તરફેથી નાયબ પોલીસ કમિશ્નરશ્રીને રજુઆત કરવામાં આવી હતી.

ગભેણી ઓવરબ્રિજ ખુલ્લો મુકવા માંગ કરાઈ
ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારોને NDPS એક્ટ અંતગર્ત વ્યસન મુક્તિ વિશે જાગૃતિ લાવવા તથા સાયબર કાઈમનો ભોગ ન બને તે માટે ઔદ્યોગિક એકમોમાં અવાર નવાર અવેરનેસ કાર્યક્રમ ગોઠવવા ઉદ્યોગકારોને સમજ આપવામાં આવી હતી.

દરમિયાન સચીન સોસાયટી તરફથી રજૂઆત કરવામાં આવી કે, નેશનલ હાઇવે નં.53 ઉપર ગભેણી ચોકડી પાસે તૈયાર થયેલો ઓવરબ્રીજ વહેલીતકે ખુલ્લો મુકવામાં આવે તથા ઓવરબ્રીજની નીચેનો રોડ કલરટેલ તરફ જવા માટે નાડીડે ખુલ્લો કરવામાં આવે.

Most Popular

To Top