મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર શ્રીયુત ફામ સ્નાહ ચૌઉએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીએમ પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળવા માટેના અભિનંદન પાઠવતાં વિયેતનામ રાજદૂત ફામ ચૌઉએ વ્યાપાર કુશળ ગુજરાતી સમુદાયો વિયેતનામ સાથે વેપાર-ઊદ્યોગમાં વધુ સહભાગી થાય તેવી અપેક્ષા દર્શાવી હતી.
તેમણે કહ્યું હતું કે, ખાસ કરીને ગુજરાત ટેક્સટાઇલ કેપિટલની ખ્યાતિ ધરાવે છે ત્યારે યાર્ન, કોટન, ડાય ની સમગ્ર સપ્લાય ચેઇન વિયેતનામ-ગુજરાત માટે સેતુરૂપ બની શકે તેમ છે . સીએમ પટેલે આ ક્ષેત્રો સહિત પણ વ્યાપારિક વાણિજ્યીક સંબંધો વધારવા અને એકસપોર્ટ વધારવામાં ગુજરાત પૂર્ણ સહયોગ આપશે તેમ બેઠકમાં જણાવ્યું હતું.
પટેલે વધુમાં પીએમ નરેન્દ્ર મોદીના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રના આગવા વિઝનથી વિશ્વના દેશો સાથે સફળત્તમ સંબંધો વિકસાવી રહ્યાં છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે વિયેતનામ રાજદૂત સાથેની વાતચીતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કેવડિયાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવી દુનિયાભરના લોકોને આકર્ષિત કરવાની પ્રધાનમંત્રીની આ દીર્ઘદ્રષ્ટિ છે.
પટેલે વધુમાં આગામી વાયબ્રન્ટ સમિટમાં વિયેતનામના પ્રધાનમંત્રી અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન ભાગ લેવા આવે તે માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. વિયેતનામના રાજદૂતે પણ મુખ્યમંત્રીને વિયેતનામ રાષ્ટ્રની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ વિયેતનામ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.