Columns

ચૂંટણીમાં ચાલી આવતી ‘મધ્યકાલીન શ્રદ્ધા’!

ચૂંટણીઓ દ્વારા આપણે પ્રજાના પ્રતિનિધિઓ પસંદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા પણ એ ચૂંટણી કરવાની બાબતમાં આપણું જે દૃષ્ટિબિંદુ હોય છે તે કેટલું યોગ્ય છે તેનો આપણે વિચાર કરેલો નથી. વિચાર કરશું તો માલૂમ પડશે કે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના માણસને મત આપે છે. એ માણસ પોતાના હોવાનાં વિવિધ કારણો હોય છે,જેમ કે, પોતાનો આશ્રયદાતા કે તેનો નીમેલો હોય, પોતાની ન્યાતનો, ગામનો, પ્રાન્તનો, ધર્મનો, પક્ષનો, ધંધાનો વગેરે હોય. તેથી તે પોતાનો બને છે. એને મોકલવામાં મતદારની અપેક્ષા એ હોય છે કે એ સર્વ જનતાના નહીં, પણ તેના વર્ગના હિતસ્વાર્થને સંભાળવામાં વધારે દક્ષ રહેશે અને જે કડીના યોગથી એ પોતાનો કહેવાય છે, તે કડીને અને તેની સર્વે વ્યક્તિઓને બીજાઓ કરતાં વધારે લાભ પહોંચાડશે.”– આ લખાણ જેમણે લખ્યું છે તેઓ ગાંધીજીના ભાષ્યકાર કહેવાયા છે અને તેમનું નામ છે કિશોરલાલ મશરૂવાળા. ગાંધીયુગના ચિંતક કિશોરલાલ મશરૂવાળા ભારતીય સમાજનું કરેલું ચિંતન અદ્વિતિય છે.

ભારતીય રાજનીતિની તાસીર કહો કે સમાજનું દર્પણ, પણ કિશોરલાલ મશરૂવાળા તેને બખૂબી રીતે સમજ્યા છે અને 1947ના અરસામાં તેમણે ‘ચૂંટણીઓ’નામના લેખમાં લખ્યું છે તે આજેય તાદૃશ્ય લાગે છે. તેઓ લખે છે : “ચૂંટાવા ઇચ્છનારો પ્રતિનિધિ પણ પોતાના મતદારોને એ જ જાતની આશાએ બંધાવે છે. ‘મને મોકલશો તો આપણાં માટે હું અમુક લાભો મેળવવા પ્રયત્ન કરીશ, અને આપણાં વિરોધીઓને અમુક રીતે ચીત કરીશ’ આમ, તો લોકશાહીનું આ પર્વ પ્રજાના નિષ્ઠાવાન સેવક ચૂંટવાની પ્રક્રિયા છે, પણ કોઈ વ્યવસ્થા ગમે તેટલી સારી કેમ ન હોય તેની યોગ્ય રીતે દેખરેખ ન થાય અને તે પરિવર્તનશીલ ન હોય તો તેમાં બદીઓ પ્રસરી જાય છે, તેવું જ આપણાં લોકશાહી માળખાનું થયું છે.

ચૂંટણીઓમાં અલ્ટીમેટલી ઉમેદવાર શું ઇચ્છે છે ને તે કેવી માનસિકતા સાથે ચૂંટણીમાં મતદાતા હિસ્સો લે છે, તે વિશે મશરૂવાળા કહે છે કે, “આમ પ્રતિનિધિ તથા ચૂંટનારાઓ પોતાના પક્ષના સ્વાર્થનો જ વિચાર કરી સુરાજ્ય સ્થાપવાની આશા સેવે છે. બધા માણસો પોતપોતાના સ્વાર્થ સંભાળે તો બધાના સ્વાર્થ સિદ્ધ થાય, એ મધ્યકાલીન શ્રદ્ધા હજુ આપણી ચૂંટણીઓમાં કામ કરી રહી છે.”ચૂંટણીમાં ચાલતી આવતી ‘મધ્યકાલીન શ્રદ્ધા’કહીને કિશોરલાલે પ્રજાની મોટી મર્યાદા દાખવી છે. એકવીસમી સદીમાં આજે આપણે પહોંચી ચૂક્યા છે અને ખરી લોકશાહીનો ખ્યાલ પણ આજે સર્વત્ર પ્રસર્યો છે. ઉપરાંત, શિક્ષણ વધ્યું છે, લોકજાગ્રતિ આવી છે, તેમ છતાં આ શ્રદ્ધા તો હજુય મધ્યકાલીન જ ભાસે છે.

ચૂંટણીઓના પરિણામે જે રીતે પ્રજાના પ્રતિનિધિ ચૂંટાય છે તે વિશે પણ કિશોરલાલે ‘કૂવો અને હવાડો’નામના લેખમાં વિસ્તૃત ચર્ચા કરી છે. તેઓ લખે છે : “પ્રાચીન કાળથી અનેક પ્રકારનાં રાજકીય તંત્રો અને વાદોનો માનવસમાજ વિચાર અને અખતરા કરતો આવ્યો છે. એકહથ્થુ રાજ,ગણરાજ, પ્રજારાજ,ગુરુશાહી,રાજાશાહી, સરદારમંડળશાહી, મહાજનશાહી, પંચાયતશાહી, તાનાશાહી, બહુમતિશાહી વગેરે અનેક પ્રકારનાં તંત્રોની ચર્ચાઓ ચાલ્યા જ કરે છે અને કદાચ ચાલ્યા જ કરશે. આનો અર્થ એટલો જ કે મનુષ્યને સુખી થવા માટે કોઈ પ્રકારના રાજતંત્રનું અસ્તિત્વ આવશ્યક છે એમ સૌને લાગે છે ખરું, પણ તેનું આદર્શ બંધારણ હજુ તે ખોળી શક્યો નથી. વિચાર અને અખતરા કરતો આવ્યો છે, અનુભવો લેતો આવ્યો છે, પણ હજુ કોઈ અખતરો પૂરો સફળ થયો નથી, અને લાંબો વખત સુધી સંતોષકારક કામ આપનારો સાબિત થયો નથી.”

આ બધી શાસનવ્યવસ્થાને કિશોરલાલે અખતરા ગણાવ્યા છે અને આપણે હાલમાં તે અખતરાંનું વરવું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. તેમણે લોકશાહી, તાનાશાહી અને સામ્યવાદની ચર્ચા કરીને એવો મત આપ્યો છે કે “દરેક મતવાળી પ્રામાણિકતા સ્વીકારીએ તો બધા પક્ષોનો અર્થ એટલો જ છે કે આપણે હજુ સુખી શી રીતે થવાશે તે બાબતમાં આંધળાની જેમ ફાંફાં મારી રહ્યા છીએ …આપણા પોતાના દેશ માટે પ્રજાકીય બહુમતશાહી(લોકશાહી) બંધબેસતી થઈ શકે એવો આપણા દેશના બહુ મોટા ભાગના સુક્ષ પુરુષોનો મત છે, અને જે કાંઈ અખતરા કરવાના છે તે એ શાહીને અનુકૂળ રહી કરવાના છે.” લોકશાહી આપણા દેશમાં અનુકૂળ થઈ છે અને તે માટેના અખતરા જે રીતે થાય છે તે વિશે પણ તેમણે ટિપ્પણી કરતાં લખ્યું છે કે, “એ મૂળ પાયો સ્વીકાર્યા બાદ પણ મતાધિકાર, ચૂંટણીઓ, રાજકીય પક્ષો વગેરેના પ્રશ્નો ઓછા ઝઘડા અને ખૂનામરાકી કરાવનારા તથા મૂંઝાવનારા નથી. કાના, માત્ર, જોડણી, વ્યાકરણ, વિરામચિહ્ન વગેરેની એક પણ ભૂલ ન હોય, અને બહુ સુવાક્ય અક્ષરે લખાણ લખ્યું હોય, છતાં કાયદો જ વસ્તુ એવી છે કે જેનો અપ્રામાણિક ઉપયોગ કરવાના માર્ગો નીકળી જ આવે છે. કારણ, કાયદાની સ્થાપના દંડશક્તિ પર શ્રદ્ધા રાખનારાઓએ કરેલી હોય છે.”

ચૂંટણીની વ્યવસ્થા જનપ્રતિનિધિ ચૂંટવાની છે પણ તેમાં થતી ભાંજગડ તરફ તેમણે નિર્દેશ કર્યો છે. આજે સ્માર્ટફોનના કારણે સતત ચૂંટણીલક્ષી મારો થતો રહે છે. અને ખડા થતાં આ માહોલમાં ઘણે અંશે મશરૂવાળાને પ્રજાનો પણ દોષ જોયો છે. આગળ તેમનું ચિંતન કહે છે : “કૂવામાં હોય તેટલું હવાડામાં આવે, એ કહેવત જાણીતી છે. ‘તેટલું’ની સાથે ‘તેવું’પણ ઉમેરી શકાય, એટલે કે ‘કૂવામાં હોય તેટલું ને તેવું હવાડામાં આવે’. કૂવા કરતાં હવાડામાં ઓછું આવે એમ બને, અને બને છે જ. તેના કરતાં વધારે ન આવી શકે એ દેખીતું છે….હવાડો એ શાસકવર્ગ છે. કૂવો એ સમસ્ત પ્રજા છે.

ગમે તેવા કાયદાઓ અને બંધારણ ઘડો, સમસ્ત પ્રજાના ચરિત્ર કરતાં શાસકવર્ગનું ચારિત્ર ઘણું ઊંચું હોય એમ બનવાનું નહીં, અને પ્રજા પોતાના ચારિત્રથી જેટલાં સુખસ્વાતંત્ર્યને લાયક હોય તેથી વધુ સુખસ્વાતંત્ર્ય ભોગવી શકશે નહીં.” આ સ્થિતિમાં પણ પ્રજા ઊલટી શ્રદ્ધા પર કાર્ય કરે છે તેવું મશરૂવાળાનું કહેવું છે કે, “આપણે માનીએ છીએ કે સામાન્ય વર્ગ બહુ ભારે ચારિત્રવાન ન હોય, પણ સારો પગારો વગેરે આપી શાસકવર્ગ માટે તેમાંથી આપણે સારા ચારિત્રવાન માણસો મેળવી શકીએ ખરા, અને તેમની મારફતે જનહિતની યોજનાઓ તથા કાયદાઓ ઘડી પ્રજાને સુખી કરી શકીએ.

આ મેલા પાણીમાં થોડું ચોખ્ખું પાણી મેળવી બધું પાણી સારું કરી શકાય એના જેવી શ્રદ્ધા છે.”હવે આ પ્રચલિત શ્રદ્ધા હોય તો તેનું પરિણામ શું આવી શકે તે પણ તેમણે દાખવી આપ્યું છે : “પરિણામ એ આવે છે કે શાસિત વર્ગ(જેના પર શાસન થતું હોય તે લોકો) પોતાની બધી સુખસગવડો માટે રાજ્ય તરફ જ જુએ છે, ખામીઓ માટે તેનો જ વાંક કાઢે છે અને જુદા જુદા પક્ષોની ચળવળોના તથા તોફાન કરાવનારાઓના શિકાર કરે છે.

જાણે ચૂંટણીઓ અને સરઘસો, પરિષદો, સમિતિ, ભાષણો, હડતાળો અને રમખાણો જ પ્રજાકીય શાસનના અંગો હોય.”આ બધું હોવા છતાં જીવન વ્યવસ્થિત ચાલે છે તેનું પણ કારણ તેમણે અંતે આપ્યું છે કે “તેનું કારણ રાજ્યના કાયદા કે વ્યવસ્થાશક્તિ નથી, પણ આ બધી ધાંધલો છતાં પ્રજાના મધ્યમવર્ગોમાં રહેલી નૈસર્ગિક વ્યવસ્થાપ્રિયતા અને શાંતિપ્રિયતા છે.”મશરૂવાળાએ રાજકીય બાબતોની જે ચર્ચા કરી છે તેમાનાં બધા જ વિચાર સ્વીકાર્ય લાગે એમ નથી, તેમ છતાં તેમણે પોતે જે વાત રજૂ કરી છે તેની ઠીકઠીક દલીલ-તર્ક મૂકી આપ્યા છે.

આ બધું જ લખાણ તેમનું પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’માં ઉપલબ્ધ છે અને તેમાં આપણી રાજકીય પ્રથાઓની ચર્ચા કરી છે તેમાં તેઓ એટલે સુધી લખે છે કે, “આપણી રાજકીય વ્યવસ્થાઓ ઔરંગઝેબી જ છે. રાજા રાખીએ, પણ તે કેવળ શોભાનું પૂતળું, ગવર્નર નીમીએ પણ તે કેવળ તેના પ્રધાનમંડળનો અંકીત, કેન્દ્રીય સરકારને લાગે કે વધારેમાં સત્તા તે ધરાવે, પ્રાંતીય(રાજ્યની) સરકારને લાગે કે કેન્દ્રીય સત્તા નિશ્ચિત મર્યાદામાં જ હોય, દરેક માણસ અધિકારના સ્થાનનો લાલસુ અને દરેક માણસ બીજાના અધિકાર ઈર્ષાળ્યું. …આ માનસમાંથી ઉત્પન્ન થતી વ્યવસ્થાઓ ખર્ચાળ, દીર્ઘસૂત્રી, તુમારી, માથાભારી અને માત્ર બાહ્ય શોભા ધરાવનારી, છળકપટ-કૂથલી-ઈર્ષ્યા-ચાડીચગલી-લાંચ-કીનો વગેરેથી ભરેલી હોય એમાં નવાઈ નથી. એની ચૂંટણીઓમાં સર્વ પ્રજાનો મતાધિકાર હોય કે થોડાનો, સીધો હોય કે આડકતરો, બધા વર્ગોના પ્રતિનિધિઓને યોગ્ય પ્રમાણમાં ચૂંટી શકે એવી કોઈ રીતનો હોય કે સીધોસાદો હોય, એ પ્રતિનિધિઓ કેવળ હાથ ઊંચા કરવાનું જ કામ આપી શકે. રાજતંત્રને સુધારવાનું કામ ન કરી શકે.”

Most Popular

To Top