સુરત : દેશી દવા લેવા માટે મિત્રતા (Friendship) કરીને વિધર્મી યુવકે મહિલાને ધમકી આપીને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ યુવકે મહિલાને તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ પોલીસમાં (Police) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતી મહિલા હાલમાં ચૌટાબજારમાં કટલરી વેચવાનું કામ કરે છે. બે વર્ષ પહેલા તેની મુલાકાત ચૌટાબજારમાં દેશી દવા વેચતા તન્વીર આલમની સાથે થઇ હતી. મહિલાએ તન્વીરને મસાની દવા માટે પુછ્યું હતુ અને બંનેની મુલાકાત થઇ હતી. તન્વીર પણ લિંબાયતમાં રહેતો હોવાથી બંનેની મિત્રતા થઇ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી.
- દેશી દવા ખરીદવાના બહાને મિત્રતા થયા બાદ વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો
- તન્વીરની સામે અન્ય એક મહિલાએ ફરિયાદ કરતા તન્વીર એક મહિના સુધી જેલમાં પણ જઇ આવ્યો હતો
દરમિયાન તન્વીર મહિલાને અવારનવાર લિંબાયતના મારૂતીનગરમાં એક રૂમમાં લઇ જતો હતો અને ત્યાં મહિલાની સાથે બળાત્કાર ગુજારતો હતો. આ દરમિયાન સને-2022માં તન્વીર અન્ય કોઇ યુવતીને મોબાઇલથી બ્લેકમેઇલ કરતો હોવાથી તેની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ થઇ હતી અને પોલીસે તન્વીરની ધરપકડ કરી એક મહિનો જેલમાં પણ મોકલી આપ્યો હતો. જામીન મુક્ત થયા બાદ તન્વીર ફરી મહિલાને મળ્યો હતો અને કહ્યું કે, ‘‘તું મેરે ખિલાફ કિસી કો ફરિયાદ કરેગી તો મે તેરે ઘર પે આકે મર જાઉગા’’ તન્વીરની ધમકીથી ડરીને મહિલા ફરીવાર તન્વીરની સાથે બહાર જવા લાગી હતી અને ત્યારે પણ તન્વીરે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પહેલા જ મહિલા ચૌટાબજારમાં કટલરીનો સામાન ખરીદવા માટે ગઇ ત્યારે તન્વીરે મહિલાને ધમકી આપી કે, “તું મેરે સાથ સંબંધ નહી રખેગી તો તેરે લડકે કો જાનસે માર દુંગા” કહીને પીછો કરવા લાગ્યો હતો. મહિલાએ ગભરાયેલી હાલતમાં ઘરે આવીને તેની માતા અને પરિવારના સભ્યોને ફરિયાદ કરીને આખરે લિંબાયત પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તન્વીરની ધરપકડ કરી હતી.