અમદાવાદ : રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના (Medical Colleges) પ્રોફેસરો (Professors) તેમજ સહ અધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી નિમણૂક પત્રો પાછલી અસરથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર થયા છે. આમ મેડિકલ કોલેજોના અધ્યાપકોને હક્ક અને અધિકાર આપવામાં ૨૦-૨૫ વર્ષનો વિલંબ થયો, તે માટે જવાબદાર કોણ ? રાજ્યની ભાજપ સરકારે મેડિકલ કોલેજોના અધ્યાપકો અને કર્મચારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખ્યું છે, કાયમી બઢતી-નિમણુકને બદલે પ્રાધ્યાપકોને હંગામી ધોરણે જ લટકાવી રાખવું સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી મેડિકલ કોલેજના ૬ પ્રોફેસર અને ૧૧ સહપ્રાધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી-નિમણૂક પત્રો પાછલી અસરથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર વહીવટના નમુનારૂપે આજે જાહેર થયા છે. જેમાં કોઈ અવસાન થયું છે કે ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા. અને તે પણ તદ્દન હંગામી ધોરણે. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપક-સહપ્રાધ્યાપકોને મળવા પાત્ર બઢતી, પે સ્કેલ અને અન્ય લાભો માટે છેલ્લા ૨૫ વર્ષમાં આંદોલન, હડતાલ સહીત અનેક રજુઆતો સચિવાલયમાં બિરાજમાન મંત્રીથી લઈને સંત્રી સુધી કરવામાં આવી હતી. તેમ છતાં તેમનો કાર્યકાળ પૂરો થઇ જાય, મંત્રીઓના વિભાગો બદલાઈ જાય પણ મળવા પાત્ર લાભોથી સતત રાજ્યના તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપકોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે રાજ્યમાં વિવિધ સરકારી મેડિકલ કોલેજમાં ૧૯૯૫, ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૩માં જે તે સમયે એડ-હોક બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. એટલે કે એડ-હોક બઢતી જ્યાં સુધી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિયમ મુજબ પસંદગી ન થાય અથવા તો સમય મર્યાદામાં વિભાગીય બઢતી થાય આવી કોઈ પણ વ્યવસ્થા છેલ્લા ૨૫ વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા અમલવારી ન કરીને આજે પણ જે બઢતીના આદેશ કરવામાં આવ્યા તે તદ્દન હંગામી ધોરણે થયા એ કેટલા અંશે વ્યાજબી? પ્રાધ્યાપકો અવસાન પામ્યા, નિવૃત્તિના દસ વર્ષ પૂર્ણ થઇ ગયા ત્યાં સુધી આરોગ્ય વિભાગ જાણી જોઇને ઊંઘતું રહ્યું.