ભરૂચ: અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર 1 લાખની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે. સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા પછી પાસ થયેલા બિલ ની રકમ ની ચુકવણી માટે આ અધિકારીએ લાંચ માંગી હતી. અઢી લાખ રૂપિયાની માંગણી કર્યા પછી 1 લાખ સ્વીકારતા તે એસીબીના છટકામાં ઝડપાયા હતા.
- બિલના પેમેન્ટ માટે રૂપિયા ૨,૫૦,૦૦૦/-ની માંગણી કરી હતી: દિલ્હીથી ESIC માં નોકરી કરતા સોનું નામના PA નો ફોન આવશે અને તેના કહ્યા પ્રમાણે પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે એવી સૂચના આપી હતી
૫૫ વર્ષીય અવધેશકાંતકુમાર રામશંકર બિમલ, વર્ગ -1 અધિકારી છે જે એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજ બજાવતા હતા. અંકલેશ્વરની હોટલના રૂમમાં લંચની રકમ સ્વીકારતી વખતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રેડ કરી લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે. મૂળ દિલ્લીના રહેવાસી આ અધિકારી ફેબ્રુઆરી-2023થી અંકલેશ્વરમાં ફરજ બજાવી રહ્યાં હતા.
ઘટનાની ફરિયાદ અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ પદ્મસિધ્ધા હોસ્પિટલે વર્ષ-2022માં એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન- ESIC સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. MOU અંતર્ગત ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ તરફથી રીફર થયેલ દર્દીઓને સંપુર્ણ કેસલેશ સારવાર આપવાની હોય છે અને જેના બીલોનું પેમેન્ટ MOU પ્રમાણે ESIC હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા કરવાનું રહે છે.
પદ્મસિધ્ધા હોસ્પિટલે અત્યાર સુધી અંદાજીત ચાર કરોડ રૂપિયાના બિલો રજુ કર્યા હતા જેમાંથી વચગાળાની બિલીંગ એજન્સી દ્વારા 28 લાખના બીલો છેલ્લા બે મહિનાથી પાસ કરવામાં આવ્યા હતા. ESIC હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને લાગતાવળગતા વિભાગમાં જમા કરાવી આશરે બે મહિના જેટલો સમય વીતવા છતા બિલોના નાણાંનુ પેમેન્ટ કરવામાં આવતું ન હતું.
આશરે દશેક દિવસ પહેલા ફરિયાદીએ રૂબરૂ મળવા પદ્મસિધ્ધા હોસ્પિટલના સંચાલકોને બોલાવ્યા હતા. મિટિંગમાં બિલના પેમેન્ટ માટે 2.50 લાખની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જણાવવામાં આવેલ કે દિલ્હીથી ESIC માં નોકરી કરતા સોનુ નામના PA નો ફોન આવશે અને તેના કહ્યા પ્રમાણે પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે.
આ બાદ સંચાલકો ઉપર સોનું નામના વ્યકિતનો ફોન આવતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના બેન્ક એકાઉન્ટના ખાતામાં 50 હજાર ટ્રાન્સફર કરાવી બાકીના 2 લાખ હોટલ શાલીમાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે રૂબરૂ આપવા કહ્યું હતું. પદ્મસિધ્ધા હોસ્પિટલે એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
તા-૨૦મી એપ્રિલે રાત્રે હોટલ શાલિમારના રૂમ નંબર 314માં ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમારે 2 લાખની લાંચની માંગણી કરી 1 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી. આ રકમનો પંચ રૂબરૂ સ્વીકાર કરી નાણાં બેન્ક એકાઉન્ટનાં એટીએમ મશીનથી જમા કરવા જણાવતા એસીબીએ તરત રેડ કરી અધિકારીની ધરપકડ કરી હતી.
વડોદરા ફિલ્ડના એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ કે સ્વામીએ મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.