યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો તે પછી આપણને ખબર પડી કે આપણા દેશના કેટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે યુક્રેનમાં રહેતા હતા. ભારત સરકાર મોટા દાવાઓ કરે છે કે તેણે ભારતના બધા વિદ્યાર્થીઓ હેમખેમ સ્વદેશ આવે તેની વ્યવસ્થા કરી છે, પણ હકીકત એ છે કે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આશરે ૧૬,૦૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલાં છે. યુક્રેનની રાજધાની કીવમાં આવેલી ભારતની એલચી કચેરી બંધ કરી દેવામાં આવી છે. ભારતનાં વિદ્યાર્થીઓ હાડ ગાળી નાંખે તેવી કડકડતી ઠંડીમાં મુસાફરી કરીને હંગેરી, પોલાન્ડ, રોમાનિયા કે સ્લોવેક જેવા દેશોની સરહદ પર પહોંચે છે. ત્યાં તેમને યુક્રેનના સુરક્ષા કર્મચારીઓ ડંડા મારે છે. સરહદ પાર કરવા માટે પણ તેમણે દિવસો સુધી યાતના વેઠવી પડે છે. જો તેઓ સરહદ પાર કરવામાં સફળ થાય તો ભારત સરકાર દ્વારા ખાસ ફ્લાઇટમાં તેમને વતન પરત લાવવાની સગવડ કરવામાં આવે છે.
અહીં સવાલ એ થાય છે કે જે વિદ્યાર્થીઓને પોતાની માતૃભૂમિ માટે જરા પણ પ્રેમ કે આદર નથી, જેમને ભારતમાં તેમનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે, જેમણે પોતાના દેશને ઠોકર મારીને ભણવા માટે વિદેશમાં વસવાટ કર્યો છે, જેમને ગયા સપ્તાહે ચેતવણી આપવા છતાં જેઓ યુક્રેન છોડવા તૈયાર નહોતા, તેમને વતન પરત લાવવા ભારત સરકાર શા માટે કરોડોનો ખર્ચો કરી રહી છે? શું ભારતમાં રહીને ભણતા અને પછી બેકારોની ફોજમાં સામેલ થઈ જતાં લાખો વિદ્યાર્થીઓ પાછળ સરકાર ક્યારેય આટલો ખર્ચો કરે છે ખરી? શું તે વિદ્યાર્થીઓ ભારત સરકારની મંજૂરી લઈને યુક્રેન ગયા હતા? જો તે વિદ્યાર્થીઓને ભારત કરતાં યુક્રેન વધુ વહાલું લાગતું હોય તો તેની કટોકટીની ઘડીમાં પણ ત્યાં રહીને યુક્રેનની સરકારને તેમણે મદદ કરવી જોઈતી હતી. આ વિદ્યાર્થીઓને ભણવું હોય અને રળવું હોય ત્યારે વિદેશ વહાલું લાગે અને મુસીબત પડે ત્યારે ભારત યાદ આવી જાય તે કેવું?
યુક્રેનની મેડિકલ કોલેજોમાં આશરે ૮૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ ભણતાં હતાં, જેમાંના ૨૫ ટકા જેટલાં ભારતીય હતા. ભારતના વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ માટે રશિયા, ચીન, ફિલીપાઇન્સ કે યુક્રેન જેવા દેશોની કોલેજો પસંદ કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે ભારતની તબીબી કોલેજો કરતાં યુક્રેનમાં શિક્ષણની ગુણવત્તા સારી છે અને ખર્ચ ભારતના પ્રમાણમાં ઓછો છે. યુક્રેનની મેડિકલ કોલેજમાં ૬ વર્ષનો તબીબી અભ્યાસ કરવો હોય તો ભણવાનો, રહેવાનો અને ખાવાપીવાનો કુલ ખર્ચ આશરે ૩૫ લાખ રૂપિયા થાય છે, જેમાં ભારત આવવા-જવાના ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. તેની સરખામણીમાં ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં સ્નાતકની ડિગ્રી લેવી હોય તો ભણવાનો ખર્ચો જ કુલ ૫૫ થી ૭૦ લાખ રૂપિયા જેટલો થાય છે. જો ભારતની કોલેજમાં એનઆરઆઇ બેઠક પર અભ્યાસ કરવો હોય તો ૯૦ લાખથી ૧.૬ કરોડ રૂપિયા જેટલી ફી ભરવી પડે છે.
ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કરવો હોય તો ‘નીટ’ની પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે ભારતમાં આશરે સાતથી આઠ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા પસાર કરે છે, પણ તેની સામે ૫૫૦ કોલેજોમાં મેડિકલની આશરે ૯૦,૦૦૦ બેઠકો છે. તેમાંની લગભગ અડધી બેઠકો સરકારી કોલેજોમાં છે, પણ તેમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે છે. સરકારી કોલેજોમાં ફી પ્રમાણમાં ઓછી હોય છે, પણ તેમાં બહુ ઓછાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. બાકીનાં વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરીને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવો પડે છે. એનઆરઆઇ ક્વોટામાં ભારતીય વિદ્યાર્થીને પણ પ્રવેશ મળે છે, પણ શરત એટલી છે કે કોઈ એનઆરઆઇ દ્વારા તેને સ્પોન્સર કરવામાં આવ્યો હોય. એનઆરઆઇ બેઠકોની ફી સામાન્ય કરતાં બમણી હોય છે.
ભારતનો વિદ્યાર્થી ૫૦ લાખથી ૭૫ લાખ રૂપિયાનો ખર્ચો કરીને એમ.બી.બી.એસ. થાય ત્યારે તેને ખબર પડે છે કે નોકરીની માર્કેટમાં બેચલર ડિગ્રીની કોઈ કિંમત નથી. એમ.બી.બી.એસ. થઈને પ્રેક્ટિસ કરતાં ડોક્ટરોની સરખામણી ચણા-મમરા વેચતા વેપારીઓ સાથે કરવામાં આવે છે. જો તેમણે હીરા વેચવા હોય અને તગડું પેકેજ મેળવવું હોય તો માસ્ટર્સ ડિગ્રી લેવી પડે છે. ભારતમાં મેડિકલ પોસ્ટ ગ્રેજયુએટની સાતથી આઠ હજાર જેટલી જ બેઠકો છે. તેમાંની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો હોય છે. તેમાં પ્રવેશ મેળવવા માટે જ ૫૦ લાખથી એક કરોડ રૂપિયાનું ડોનેશન આપવું પડે છે. તે ઉપરાંત ટ્યૂશન ફી અને હોસ્ટેલના ખર્ચાઓ પણ કરવા પડે છે.
જે વિદ્યાર્થી બે કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એમ.ડી. કે એમ.એસ. થયો હોય તે કેવી રીતે ગરીબોની સેવા કરશે? ભારતનાં વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લેવા માટે યુક્રેન તરફ દોટ મૂકે છે, તેનું કારણ એ છે કે યુક્રેનમાં તબીબી કોલેજમાં પ્રવેશ માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. બારમા ધોરણની માર્કશીટના આધારે તેને સહેલાઈથી પ્રવેશ મળી જાય છે. જો કે વિદેશની કોલેજમાં તબીબી ડિગ્રી લઈને ભારતમાં આવતા વિદ્યાર્થીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની સીધી છૂટ મળી જતી નથી. તેમણે ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેડ્યુએટ એક્ઝામ નામની પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા પસાર કરવા માટે તેમણે કોચિંગ ક્લાસ ભરવા પડે છે, જેની ૬ મહિનાની ફી એક લાખથી બે લાખ રૂપિયા જેટલી હોય છે. આ પરીક્ષા બહુ અઘરી હોય છે. તેમાં ૧૪ ટકાથી ૨૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે તેમણે પણ ભારતની કોઈ હોસ્પિટલમાં ૧૨ મહિના ઇન્ટર્નશીપ કરવી પડે છે. પછી જ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે.
ભારતની એક ખાનગી હોસ્પિટલમાં વિદેશમાં ભણેલા ડોક્ટરો ઇન્ટર્નશીપ કરતા હોય છે. તેના સંચાલક કહે છે કે વિદેશથી તબીબી ડિગ્રી લઈને આવેલા ભારતીય વિદ્યાર્થીઓ એટલા પછાત હોય છે કે અમારે તેમને બધું ભણાવવું પડે છે. વળી આ વિદ્યાર્થીઓ તો વિદેશી વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પાસ કરીને આવ્યા હોય છે. જો તેઓ આટલા પછાત હોય છે તો જેમણે આ પરીક્ષા પાસ જ નથી કરી તેમનું સ્તર કેવું હશે? હવે સરકાર ૨૦૨૩ ની સાલથી ભારતમાં કે વિદેશમાં ભણેલાં તમામ વિદ્યાર્થીઓ માટે લાઇસન્સની પરીક્ષા દાખલ કરવાની છે. તેને કારણે ભારતની ખાનગી તબીબી કોલેજોમાં ભણીને ડિગ્રી લેનારાં વિદ્યાર્થીઓની પોલ ખૂલી જશે. ભારતની ખાનગી તબીબી કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા અત્યંત હલકી હોય છે.
તેઓ મોટા ભાગના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરી દે છે, જેથી તેમની ટકાવારી વધુ દેખાય. આ કોલેજોમાં સવલતો પણ પછાત હોય છે. તેમાં શિક્ષક તરીકે તાજા પાસ થયેલા ડોક્ટરોને રાખવામાં આવે છે, જેમને કોઈ અનુભવ હોતો નથી. તબીબી શિક્ષણની કથા પર પાછા ફરીએ તો જે વિદ્યાર્થી કરોડ રૂપિયા ખર્ચીને ડોક્ટર બન્યો હોય તેને મહિને ૨૫ હજાર રૂપિયાની નોકરી પણ માંડ મળે છે. જો તેણે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી હોય તો બીજા ૫૦ લાખથી કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આટલો ખર્ચો કરીને ડોક્ટર બનેલો વિદ્યાર્થી તેના રોકાણનું વળતર મેળવવા માટે તમામ પ્રકારની અનીતિ આચરે છે. તે ફાર્માસ્યુટિકલ કંપનીઓનો દલાલ બની જાય છે.દર્દીઓને બિનજરૂરી દવાઓ લખી આપે છે અને બિનજરૂરી ઓપરેશનો કરાવે છે. તબીબી વ્યવસાય હવે સેવાનો વ્યવસાય રહ્યો જ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.