Gujarat

તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીઓ પૈકી 11માંગણીઓ સ્વીકારાઈ

ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે ઉચ્ચકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧ માંગણીઓને મંજુર કરાઈ છે.કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરેલી મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે.

હાલ તદ્દન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશે અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે.

એટલું જ નહી નિયમિત નિમણૂકથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર અને પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવા આદેશ કરવામાં આવશે.

રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકાર દ્વારા જુદા જુદા વિષય / સંવર્ગમાં ગુજરાત જાહેર સેવા આયોગની મંજૂરીની અપેક્ષાએ તદ્દન હંગામી ધોરણે ૬ માસ માટે અથવા ૧ વર્ષ માટે બઢતીઓ આપવામાં આવી છે તેવા તમામ તબીબી શિક્ષકોની હંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવશે.

CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ આદેશો કરવામાં આવશે. જે તબીબી શિક્ષકોને સહ પ્રાધ્યાપક અને પ્રધ્યાપકનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેઓને તે જગ્યાનું અલગથી નામાભિધાન અપાશે જેના પરિણામે અનુસ્નાતક અભ્યાસક્રમોની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે.

તેજ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરત કરવામાં આવશે. જ્યારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટ્યુટરને ૭માં પગાર મુજબનો પગાર ૧-૧ ૧૬ થી મંજુર કરવામાં આવશે.તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલી અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે.

GPSC અને DPCનિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો નિયમિત રીતે બે માસે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર દ્વારા સ્વીકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો વિસ્તૃત ઠરાવ એક જ અઠવાડીયામાં પ્રસિધ્ધ કરી દેવાશે.

Most Popular

To Top