આયુષ્યમાન યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો લાભ લેવા દર્દીઓને ખોટા ઓપરેશન કરવાના મામલે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું. જો કે, એવું કહેવાય છે કે આ તો માત્ર કૌભાંડનો નાનકડો અંશ છે. કંઈ કેટલીયે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આવો કાળો કારોબાર કરીને દર્દીઓના જીવન સાથે ચેડાં કરે છે. હવે ડોકટર ભગવાન નહીં પણ મેડિકલ માફિયા બની રહ્યો છે. કોરોનાકાળ દરમ્યાન પણ દર્દીઓને લૂંટવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. કમાવાનો દરેકને અધિકાર છે પરંતુ ખોટા માર્ગે, કોઈના જીવન સાથે ચેડાં કરીને, અનિતીના માર્ગે થતી કમાણી માફિયાગીરીથી જ ગણાય. કમનસીબે આરોગ્ય વિભાગ અને સરકાર આવા કૌભાંડો રોકવા કોઈ નક્કર પગલાં લેતું નથી. દુર્ઘટના બને પછી જ જાગવાનું જાણે સરકારી તંત્રોના લોહીમાં છે. ખરેખર તો આવા કૌભાંડો પર લગામ કસવી જરૂરી છે. અલબત્ત જૂજ તબીબો એવા છે જે પ્રમાણિકતાથી પોતાની પ્રેક્ટિસ કરે છે. એમને સલામ છે. માફિયાગીરી કરનારા તબીબોને કોઈ રીતે માફ કરી ન શકાય. સરકાર ઊંઘતી હોય ત્યારે પ્રજાએ જાગવું જ પડે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કલમઘસુ અને કલમનવેશ વચ્ચે તફાવત હોય છે
મૌલિક અને સર્જનાત્મક લખાણ એ સાહિત્ય બને છે, પરંતુ અખબાર કે સામયિકોમાં નિયમિત લખાતી કોલમ ઘણીવાર એકવિધ અને નિરર્થક શબ્દાળું બની જતી હોય છે. આવા લખાણને માત્ર વ્યાપકતાના નહીં પણ ગુણવત્તાના સંદર્ભે મુલવવું જોઈએ. કેટલું લખ્યું છે તે કરતાં કેવું લખ્યું છે તેને આધારે લખાણની ચકાસણી કરવી જોઈએ. નર્મદ ખરાં અર્થમાં કલમનવેશ/ કલમવીર હતો. એની કલમ કોઈની ભાટાઈ કે ચાટુકારી માટે નહોતી. સત્યને ઉજાગર કરવું અને પોતાની સમજના સત્યની પડખે ઊભા રહેવાની નર્મદની કટિબદ્ધતા હતી. ડાંડિયો તત્કાલિન સમાજજીવનનો પ્રહરી બન્યો હતો. અત્યારે બહું જૂજ અખબારો અને અખબારમાં કોલમ લખતાં લેખકો આ માર્ગ પર ચાલે છે. લેખની સંખ્યા કરતાં એ લેખના વિચારોને આધારે સાંપ્રત સમાજજીવનની સમસ્યા અને સમાધાન ચીંધે એવા લેખકો ખરાં અર્થમાં કલમનવેશ ગણાય. બાકી નિરર્થક ભાટાઈ અને ચાટુકારી દ્વારા પોતાનો ઉલ્લુ સીધો કરી લેતાં કલમઘસુઓ તો માત્ર શબ્દોનો વ્યભિચાર જ કરતાં હોય છે.
– પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.