દુનિયામાં ભગવાન પછીનું સ્થાન જો કોઈને આપવામાં આવ્યું હોય તો તે ડોકટરને આપવામાં આવ્યું છે. ડોકટર લોકોની જિંદગી બચાવે છે અને નવજીવન આપે છે. પાંચથી સાડા પાંચ વર્ષ ભણ્યા બાદ એમબીબીએસ પાસ કરતો વિદ્યાર્થી એટલો ક્વોલિફાય થઈ ચૂક્યો હોય છે કે લોકો પોતાનું જીવન તેના હાથોમાં સોંપી દે છે. આજ રીતે દાંતનો ડોકટર હોય કે પછી આયુર્વેદિક કે પછી હોમિયોપેથિક ડોકટર, દર્દી સ્હેજેય વિચાર્યા વિના પોતાની સારવાર તેને કરવા દે છે. તમામ ડોકટરોમાં જો વિદ્યાર્થીઓની કોઈ પહેલી પસંદગી હોય અને જો દર્દીની પણ પહેલી પસંદગી હોય તો તે એમબીબીએસ તબીબ હોય છે.
ત્યારબાદ ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ડોકટરનો નંબર આવે છે. વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓની આ જ પસંદગી હોવા છતાં પણ જાણે મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી કમિટીએ બુદ્ધીનું દેવાળું ફુક્યું હોય તેમ પ્રવેશ માટેના ક્રાઈટેરિયા અલગ અલગ કરતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. કમિટીના આ ભોપાળાને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
આજે રાજ્યમાં મેડિકલમાં પ્રવેશ માટેની કમિટીએ પ્રવેશ માટેના વિવિધ ધારાધોરણોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં એવું જણાવ્યું છે કે, નીટ પાસ કરનાર વિદ્યાર્થીએ જો એમબીબીએસમાં પ્રવેશ લેવાનો હશે તો તેણે માત્ર ધો.12 પાસ કર્યું હશે તો પણ ચાલશે. એટલે કે એમબીબીએસમાં પ્રવેશ માટેનો ક્રાઈટેરિયા માત્ર ધો.12 પાસ જ રાખવામાં આવ્યો છે.
જ્યારે ડેન્ટલ કે પછી આયુર્વેદિક કે હોમિયોપેથીમાં વિદ્યાર્થીએ પ્રવેશ લેવાનો હશે તો ધો.12 50 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થીના ધો.12 સાયન્સમાં પીસીબી ગ્રુપ સાથે 50 ટકાથી ઓછા માર્ક આવ્યા હશે તો તે વિદ્યાર્થી નીટમાં ક્વોલિફાય હોવા છતાં પણ તેને ડેન્ટલ કે આયુર્વેદિક કે પછી હોમિયોપેથીમાં પ્રવેશ મળી શકશે નહીં. સામાન્ય રીતે વિદ્યાર્થીઓની જે ફેકલ્ટીમાં પ્રવેશનું મેરિટ ઉચું જતું હોય તે ફેકલ્ટીમાં ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા અઘરા હોવા જોઈએ પરંતુ કમિટીએ જાણે મગજ જ વાપર્યું નહીં હોય તેમ કોઈ ચોક્કસ ઈરાદે એમબીબીએસમાં માત્ર ધો.12 પાસ અને અન્ય મેડિકલની ફેકલ્ટીમાં 50 ટકાનો ક્રાઈટેરિયા નિયત કરી મોટા વિવાદને ઈજન આપ્યું છે.
ભૂતકાળમાં એમબીબીએસ હોય કે પછી ડેન્ટલ કે અન્ય મેડિકલ ફેકલ્ટી, તમામમાં પ્રવેશ માટે ધો.12માં 50 ટકા હોવા જરૂરી રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જો હાલમાં આ ક્રાઈટેરિયામાં સુધારો કરવો હોય તો પણ જે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હોય છે તેવી એમબીબીએસમાં પ્રવેશ માટેનો ક્રાઈટેરિયા ધો.12માં 50 ટકાનો અને અન્ય બ્રાન્ચ કે જેનું મેરિટ નીચું જતું હોય છે તેનો ક્રાઈટેરિયા માત્ર ધો.12 પાસનો હોય તો ચાલી શકે. અથવા તો તમામ ફેકલ્ટીમાં માત્ર ધો.12 પાસનો જ ક્રાઈટેરિયા રાખી શકાય, પરંતુ મેડિકલની પ્રવેશ કમિટીને આટલી સીધી વાત સમજાય નથી.
હવે પ્રવેશ માટેના નિયમો કમિટીએ જાહેર કરી દીધા છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે મોટો વિવાદ થવાની સંભાવના જોવાઈ રહી છે. હાલમાં પણ નીટના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કમિટી સામેથી વિવાદ ઊભો કરી રહી હોય આ મુદ્દો આગામી દિવસોમાં ભારે ચર્ચાનો મુદ્દો બને તેવી સંભાવના છે. જો એમબીબીએસમાં પ્રવેશ કમિટી આ મામલે સુધારો નહીં કરે તો વિદ્યાર્થીઓને સીધો અન્યાય થશે તે નક્કી છે.