નદી કિનારે ચારે બાજુ લીલુંછમ ઘાસ ઊગેલું હતું અને કિનારાની શોભા વધારી રહ્યું હતું.આ લીલા ઘાસ વચ્ચે એક જમીનમાંથી ઉખડી જઈને સુકાઈ ગયેલું ઘાસનું તણખલું હતું.આજુબાજુ ઊગેલું લીલુંછમ ઘાસ તેની મજાક ઉડાડતું હતું.એકે કહ્યું, ‘તારે કારણે અમારી શોભા બગડે છે.’ બીજું બોલ્યું, ‘તું જમીનમાંથી ઉખડી ગયું છે અને સુકાઈ ગયું છે એટલે હવે સાવ નકામું છે.’ ત્રીજું બોલ્યું, ‘અમે લીલાછમ છીએ તેની વચ્ચે તારું શું કામ છે, તું જા અહીંથી.’ સૂકું ઘાસનું તણખલું બિચારું ચુપચાપ બધાની કડવી વાતો સાંભળી રહ્યું હતું. તેને મનમાં પોતાના નકામા રસહીન જીવન પર અફસોસ થવા લાગ્યો.તે ઉદાસ થઈ ગયું.
બરાબર તે જ સમયે જોરથી પવન ફૂંકાયો.લીલુંછમ ઘાસ તો વહેતા પવનમાં આમથી તેમ ઝૂમવા લાગ્યું અને પેલું સૂકા ઘાસનું તણખલું પવન સાથે ઊડીને નદીના પાણીમાં પડ્યું.તે પાણીમાં એક નાનકડી કીડી પડી ગઈ હતી અને પોતાનું જીવન બચાવવા કોઈ સહારો શોધી રહી હતી. બરાબર તે જ સમયે ઘાસનું તણખલું તેની પાસે પડ્યું અને તરત જ કીડીએ તે ઘાસના તણખલાને પકડી લીધું અને તેની ઉપર ચઢી ગઈ, કીડીનો જીવ બચી ગયો.ધીરે ધીરે તણખલું પાણીમાં તરતું તરતું કિનારા પાસે આવ્યું અને કીડી કિનારા પાસે આવી ગઈ.પોતાનો જીવ બચાવનાર સૂકા ઘાસના તણખલાનો તે ખૂબ ખૂબ આભાર માનવા લાગી. કીડીએ કહ્યું, ‘સૂકા ઘાસના તણખલા, તારો ખૂબ ખૂબ આભાર, હું મોત સામે લડી રહી હતી ત્યારે બરાબર અણીના સમયે તું મારી મદદે આવ્યું અને તારો સાથ મળ્યો એટલે હું બચી ગઈ. તેં મને જીવતદાન આપ્યું છે.’
કીડીની વાત સાંભળી સૂકું ઘાસનું તણખલું ખૂબ ખુશ થઈ ગયું અને ગદ્ગદ્ થઈ જતા બોલ્યું, ‘હું તમારો ધન્યવાદ કરું છું.મને તો મારું અસ્તિત્વ જ સાવ નકામું અને અર્થહીન લાગતું હતું પણ તમે મને મારા અર્થહીન જીવનનો અર્થ સમજાવ્યો.ભલે સાવ નગણ્ય અસ્તિત્વ હોય પણ ઈશ્વરસર્જીત કોઇ પણ જીવન સાવ નકામું અને અર્થહીન હોતું નથી.’ આ નાનકડી વાત યાદ રાખવી કે ઈશ્વરસર્જીત સૃષ્ટિમાં કોઈ જીવન નકામું નથી.દરેકનું પોતાનું આગવું મહત્ત્વ અને કાર્ય છે.કોઈને નકામા ગણવાની ભૂલ કરવી નહિ અને ક્યારેય પોતાને પણ બીજાથી ઉતરતા કે નકામાં ગણવા નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.