ઇલાજ માટેની ઔષધિને માટે અંગ્રેજી ભાષઆનો એક શબ્દ ડ્રગ્સ છે તે જ રીતે ડ્રગ્સનો એક બીજો અર્થ ઘાતક રીતે હાનિ પહોંચાડતો કેફી પદાર્થ પણ થાય છે, જેના સેવનથી અમુક સમય સુધી બુદ્ધિભ્રષ્ટ થઇ જાય છે, નશો એ હદે મગજ પર કબજો જમાવી લે છે કે, વાસ્તવિક દર્શનને બદલે બધુ રંગરંગીલું જોવાય છે. વિશેષ તો યુવા વર્ગ આ બદીમાં સપડાઈ જાય છે. ડ્રગ્સના બંધાણીને બેવડો માર પડે છે. મોંઘા ડ્રગ્સ માટે આર્થિક હાનિ પણ મોટી હોય છે. ગુનાહિત કૃત્ય માટે દંડાવું પડે છે અને સ્વાસ્થ્ય પણ કથળે છે.
અનૈતિક વ્યવહાર ચાલે છે, ભાન વગરની પરિસ્થિતિ સર્જાય છે. આબરૂને ક્ષતિ પહોંચે છે. આખા દેશમાં ડ્રગ્સનું દૂષણ ફેલાતું જાય છે. એક કમનસીબીએ છે કે ડ્રગ્સ આગમન માટે ગુજરાત રાજ્ય પ્રવેશ દ્વારા બન્યું છે. બંદરમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય છે. સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ શક્ય છે. ભ્રષ્ટાચાર નિરંકુશ બન્યો છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે મુંબઇથી દર મહિને સુરતમાં પાંચસો કરોડનું એમ.ડી. ડ્રગ્સ ઠલવાય છે. મહારાષ્ટ્ર, મુંબઇ પોલીસની આળસ કે પછી હપ્તાખોરીને પગલે સુરત, ગુજરાતના યુવાનો ડ્રગ્સ ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. સુરત પોલીસે છેલ્લા એક વર્ષમાં અંદાજે 2 કરોડોનું એમ.ડી. જપ્ત કર્યું છે. મુંબઇમાં સંખ્યાબંધ વિસ્તારોમાં એમ. ડી. ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફક્ત ગાર્ડન બનાવાથી શહેરની શોભા વધતી નથી
સુરતમાં લાલદરવાજા, વસ્તાદેવડી રોડ પર એસ.એમ.સી.એ એક નાનકડું ગાર્ડન તૈયાર કર્યું છે. મહિધરપુરા, રામપુરા, લાલદરવાજા અને આજુબાજુના રહેવાસીઓ માટે એક સારી સુવિધા ગણાય. આ ગાર્ડનની દેખભાળ માટે એક હીરાની પેઢી જવાબદારી લીધી છે. અહીં એક જ ચોકીદાર જે મોટે ભાગે તેની રૂમમાં મોબાઈલ પર જ હોય, તેને સાચવવાની જવાબદારી સોંપી છે. ગાર્ડનની હાલત એવી છે કે તેને બગીચો કહેવો કે ઉકરડો? ચાલવાના વોક-વે પર નર્યો પાંદડા અને ડાળખીઓના ઢગલા પડ્યા હોય. વોચમેન એટલો તુંડમિજજી છે કે તમે જો એને કશી ફરિયાદ કરવા જાઓ તો એ કશું સાંભળે તો નહિ પણ તમે જ દોષી હોય તેવું વર્તન કરશે.
જવાબદાર અધિકારી અચાનક સરપ્રાઇઝ વિઝીટ કરો તો ખબર પડી જશે. કતારગામ રોડ પર એક ધોળકીયા ગાર્ડન છે. કદાચ પ્રાઈવેટ માલિકી હશે, પણ કેટલી સુંદર વ્યવસ્થા કરેલી છે. આટલા નાના ગાર્ડન માટે પણ 3-4 વોચમેનની સતત દેખરેખ હોય છે. આવનાર પબ્લિક પણ શિસ્તમાં રહે છે. મ્યુ.ગાર્ડન સુપરવાઈઝરો અને કમિશનરશ્રીને પણ એટલું જ જણાવવું રહ્યું કે ફક્ત ગાર્ડન બનાવી દેવાથી શહેરની શોભા વધતી નથી. તેના દેખભાળ માટે પણ વખતોવખત પગલા લેવાવા જોઈએ. નહીં તો બે-પાંચ વર્ષમાં ગાર્ડનમાંથી ઉકરડો બનતા વાર નહીં લાગે.
સુરત – પી. એમ. કંસારા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
