આધિ-વ્યાધિ ઉપાધિ માનવીના જીવનનો એક ભાગ છે. સુખ-દુ:ખ, કભી ખુશી, કભી ગમ આવતાં જતાં રહે છે. આવી સંકટની ઘડીએ મુશ્કેલીના સમય પર આપણે કોઇ ભાઈ યા ભાઈબંધ આપણી પાસે આવીને કહે કે તારે નાસીપાસ થવાની કે હિંમત હારી જવાની જરૂર નથી. હિંમતની કિંમત છે. હું તારી સાથે છું. મૈં હું ના આટલા શબ્દો એના જડીબુટ્ટી જેવું કામ કરી જાય છે. એ સખત મહેનત કરે છે. સમય સાથે એનું જીવન બદલાય છે. એની ગાડી ફરી પાટા પર ચઢી જાય છે. કાંઇક આવા જ પ્રકારની વાત ‘મિત્ર’ અખબારની ‘ચાર્જિંગ પોઈન્ટ’ વિભાગમાં લેખક ‘હેતા ભૂષણે’ ઝટ સમજાય એવી સુંદર સરળ ભાષામાં કરી છે. ‘ચાર્જિંગ પોઈન્ટ’ આપણી ડીસ્ચાર્જ થઇ ગયેલી બેટરીને રોજેરોજ ચાર્જ કરે છે. ધન્યવાદ આપવા પડે. લેખકે હાથીના મહાવતની પ્રેરણાદાયક વાત કરી છે, જે બહુ અસરકારક પુરવાર થાય છે. એવા એક ગીતના શબ્દો છે. ‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના.
ગોપીપુરા – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
દાયકો દરેકને મળે છે
જીવનમાં સુખ અને દુઃખ એ કર્મ આધારિત ઘટનાક્રમ છે. ચડતી પછી પડતી, વિરોધ-અવરોધ ચાલ્યા કરે છે.પરંતુ ભગવાને માનવનું સર્જન કર્યું છે તો દરેકને જીવનમાં દસ વર્ષ એટલે કે દાયકો આપે છે.પછી તે ગરીબ હોય કે તવંગર. આ દાયકા દરમિયાન જેટલી મહેનત-જહેમત સંઘર્ષ કરીને પ્રગતિ કરવી હોય તે કરી લેવાની હોય છે.દાયકો એ કુદરતે આપેલી અનમોલ તક છે.જે તે ધંધામાં સમયબધ્ધ આયોજન કરે તે જીવનમાં આગળ નીકળી જાય છે. જે વ્યક્તિ સમય સાથે નથી ચાલતો તેને સમય પણ સાથ નથી આપતો, ઘણાને બીજાની પ્રગતિ જોઇને ઈર્ષા થાય છે.
પરંતુ ઈર્ષા નહિ સ્પર્ધા કરો, બીજાના જેવા સફળ બનવા માટે સંઘર્ષ કરશો તો જરૂર પ્રગતિની મંઝિલે પહોંચી શકશો. હા,નસીબનો જોગ-સંજોગ પણ મહત્ત્વનું પરિબળ છે. માણસ મુસાફિર જેવો છે. કામ-ધંધાની તલાશમાં ભટકતો રહે છે.આથી એક શાયરે સાચું જ લખ્યું છે મંઝિલે હૈ અપની જગા રાસ્તે હૈ અપની જગા,જબ કદમ હી સાથ ન દે તો મુસાફિર ક્યા કરે”. આમ જીવનમાં મળેલો દાયકો કેવી રીતે ઉપયોગ કરવો તેનું મંથન સાથે આયોજન કરો. સફળતા-નિષ્ફળતા માણસના હાથમાં જ છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે