આણંદ : આણંદના લાંભવેલ ગામની સીમમાં આવેલી બિગલાયન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી.ની જમીનનો સોદો 2015માં કરવામાં આવ્યો હતો. જે પેટે કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે રૂ.40 લાખ લીધા બાદ બાનાખત કરી આપ્યું હતું. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહતો. બીજી તરફ આ જમીન બારોબાર બીજાને બાનાખત કરી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં બિગલાયન એન્ટરટેઇનમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ભક્તિનગર ખાતે રહેતા પ્રકાશભાઈ ઠાકોરને 2015માં કમલેશ શકરાભાઈ પટેલ (રહે.15, બાલાજી ગ્રીન વિલા, અંબાપુરા, ગાંધીનગર) સાથે પરિચય થયો હતો. આ પરિચયમાં કમલેશે લાંભવેલ ગામે જમીન વેચાતી આપવાની વાત કરી હતી. જેમાં પ્રકાશભાઈએ રસ દાખવ્યો હતો અને દસ્તાવેજો ચકાસતા બિગલાયન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી.ના નામની જમીન હોવાનું જાણવા મળ્યું હતું. આથી, કંપની વતી અને તરફથી મેનેજીંગ ડિરેક્ટર કમલેશ શકરાભાઈ પટેલે રૂ.42 લાખમાં સોદો કરી જમીનનો રજીસ્ટર વેચાણ બાનાખત 10મી ડિસેમ્બર,2015ના રોજ રજીસ્ટ્રાર રૂબરૂ બાનાખત કરી આપ્યો હતો.
આ સમયે પાંચ લાખનો ચેક અને રૂ. પાંચ લાખ રોકડા આપ્યાં હતાં. બાદમાં 2016માં કમલેશએ મમ્મી બિમાર છે તેમ કહી વધુ રૂા. ત્રીસ લાખ લીધાં હતાં. બાનાખત મુજબ નવ મહિનામાં દસ્તાવેજ કરી આપવાનો હતો. પરંતુ કમલેશ પટેલે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહતો. આથી, શંકા જતા રેકર્ડની તપાસ કરી હતી. જેમાં કમલેશ પટેલે જમીનનો 22મી માર્ચ, 2016ના રોજ યશવંત અમૃતલાલ ઠક્કર અને રશ્મીબહેન અમૃતલાલ ઠક્કરને બાનાખાત કરી આપ્યો હતો.
આ ઉપરાંત 17મી સપ્ટેમ્બર, 2018ના રોજ વૈભવ બાબુભાઈ પટેલ અને 6ઠ્ઠી ઓક્ટોબર, 2018ના રોજ હિરેનકુમાર રોહિતભાઈ પટેલને બાનાખત કરી આપ્યો હતો. આમ, એક જ જમીન અલગ અલગ વ્યક્તિને બાનાખત કરી આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેમાં પ્રકાશ ઠાકોર સાથે જ રૂ.40 લાખની ઠગાઇ કરી હતી. આમ એક જ જગ્યા ત્રણ વ્યક્તિને વેચી દીધી હતી. આ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.