નવી દિલ્હી: બસપા (BSP) વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ઈન્ડિયા’માં (I.N.D.I.A) જોડાવાની અટકળોને આજે માયાવતીએ (Mayavati) ફગાવી દીધી છે. BSP સુપ્રીમો માયાવાતીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી લોકસભા ચૂંટણી (LokSabha Election) અને આગામી વિધાનસભા ચૂંટણીમાં બસપા કોઈપણ પક્ષ કે ગઠબંધન સાથે જોડાયા વિના સ્વતંત્ર રીતે લડશે.
આ અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બસપા ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે અને આ માટે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ખરેખર તો યુપીમાં (UP) કોંગ્રેસે (Congress) દલિત સમુદાયમાંથી આવતા બ્રિજલાલને હટાવ્યા હતા, જેના કારણે એવા સંકેત મળ્યા હતા કે માયાવતી માટે કોંગ્રેસે બ્રિજલાલને હટાવીને યુપીની કમાન અજય રાયને સોંપવામાં આવી જેથી માયાવતીને એવું ન લાગે કે એક તરફ કોંગ્રેસ તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા માંગે છે અને બીજી તરફ તેણે યુપીમાં દલિત સમુદાયમાંથી આવતા એક નેતાને કમાન પણ આપી દીધી છે.
જો કે હવે માયાવતીએ ટ્વીટ કરીને આવી તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર કહ્યું કે એનડીએ (NDA) અને INDIA ગઠબંધન મોટાભાગે ગરીબ વિરોધી, જાતિવાદી, સાંપ્રદાયિક મૂડીવાદી નીતિઓ ધરાવતી પાર્ટીઓ છે, જેમની નીતિઓ સામે ભાજપ સતત લડે છે. એટલા માટે તેમની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો પ્રશ્ન જ નથી.
તેમણે પક્ષોમાંથી નેતાઓને તોડી સામે કરવાના મામલે મોટા પક્ષોને ટાર્ગેટ કર્યા છે. માયાવતીએ કહ્યું કે, બસપા વિરોધીઓના જુગાડ અને તડજોડ કરતાં વધારે સમાજના તૂટેલા અને વિખરાયેલા કરોડો ઉપેક્ષિતોને ભાઈચારાના આધાર પર જોડીને ચૂંટણી લડવા માંગે છે. 2007માં યુપી વિધાનસભા જેમ તેઓ એકલા લડયા હતા તે જ રીતે બસપા આગામી લોકસભા અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડશે.
દરમિયાન માયાવતીએ વિપક્ષો પર અનેક આક્ષેપ કરતા કહ્યું કે, લોકો આમ તો ગઠબંધનમાં જોડાવા તૈયાર છે પરંતુ એવું નહીં કરનાર સામે ભાજપ સાથે મેળાપીંપણાનો આક્ષેપ કરે છે. બસપા સુપ્રીમોએ વિપક્ષોના સેક્યુલિરિઝમ પર પણ નિશાન સાધતા કહ્યું કે તેઓ સાથે જોડાઈ જાવ તો સેક્યુલર અને નહીં જોડાવ તો ભાજપી. આ યોગ્ય નથી. દ્રાશ મળે તો ઠીક નહીં તો ખાટી કહેવત જેવું તેઓનું વલણ છે.