Comments

માયા બ્રહ્મ નથી, ભ્રમ નથી, ધર્મ છે..!

થોભો..! ટાઈટલ વાંચીને મોઢું કટાણુ ના કરો, હાસ્યની જ વાત માંડવાનો છું. કથા કરવાનો નથી. છટકો છો ક્યાં..? આ તો મસાલેદાર વાનગી બનાવવા તેજાના નાંખે એમ, આધ્યાત્મિક શબ્દોનો વઘાર કર્યો. સ્વાદિષ્ટ ભજીયાને કોઈક કથાના ફરફરિયામાં બાંધીને આપે, તેથી ભજીયાના સ્વાદમાં આધ્યાત્મિક ભાવ અભડાતો નથી. એમ, ધ્યાન ફરફરિયામાં નહિ, સ્વાદી ભજીયામાં રાખવાનું હોય..! કાશ્મીરી પુલાવમાં કાશ્મીર ભલે ના આવે, પણ આમાં હાસ્ય આવે..! લેખમાં બ્રહ્મ પણ નથી, ભ્રમ પણ નથી, માટે ભ્રમિત થવાની જરૂર નથી. માત્ર હાસ્યની સરવાણી છે!

માયા-બ્રહ્મ અને ભ્રમ શબ્દો ભલે સાથિયા જેવા રૂપાળા લાગે, બાકી ઊંડા ઊતરીએ તો જ ખબર પડે કે, કેટલા જટિલ છે? એક જ બેઠકે ભેજામાં ઉતારવા સરળ નથી. કપાયેલા પતંગમાં બીજા પતંગ ભેરવાય ને જે ગૂંચ ઊભી થાય તેવું..! ચગાવનારને એવા ગૂંચવાડામાં નાંખે કે, પોતે તો ચગે જ નહિ, જેનો ચગતો હોય એને પણ હેઠો પાડે..! બ્રહ્મ હોય, ભ્રમ હોય, ધર્મ હોય, ત્યાં હાસ્ય પણ સદૈવ હોય..! પણ ચાંચ લાંબી અને ડૂબતી હોય, ત્યાં જ પાણી પીવા જવાય, એના જેવું છે. પછી ભલે ને ગમે એટલી તરસ લાગી હોય..! બ્રહ્મ એ સંતોનો શ્વાસ, ભ્રમ એ ફિલસૂફોનો ખોરાક અને માનવીનું મગજ એ માયાનું સરનામું છે.

ધોધમાર વિષાદમાં હળવાશ ત્યારે જ મળે, કે માનવી પાસે માયાવી હાસ્યની મૂડી હોય. સવા લાખનો સવાલ એ છે કે, સમયની થપાટે કોઈને રેઢા મૂક્યા નથી. યાદ હોય તો, ઋષિઓ પહેલાં જંગલમાં વાસ કરતા. હવે On line મળી જાય. (કેટલાકે તો રાજધાની પકડી લીધી..!) મોબાઈલધારકને તો ખોળામાં પણ ઋષિ-સંતો દર્શન આપે, એવો આજનો માહોલ છે..! વનવાસ લેવાની પ્રથા નાબૂદ થઇ, એટલે હવે વનવાસ લેતા નથી, એ અલગ વાત છે. બાકી શ્રી રામ જેવો વનવાસ તો ભાગ્યે જ કોઈ નેતાએ ખેડ્યો હોય..! રાજકારણીઓ વનવાસ ભલે લેતા ના હોય, પણ ઋષિઓ તો વનવાસ છોડીને હવે ટહેલે છે. સમયનું એ સ્થાપન છે..! આ તો ગમ્મત..!

 એના કપાળમાં કાંદા ફોડું, માયાના સમૂળગા મર્મ બદલાયા દાદૂ..! માયા માથે ચઢીને સ્વાર્થી અને સ્વચ્છંદી બની ગઈ. માયાને ગમે ત્યાં લંગર નાંખવાની આદત પડી ગઈ. ક્યારેક તો માયા અને કાયા વચ્ચે એવો ૩૬ નો આંકડો, બેસી ગયો કે, એક ખેંચે ગામ ભણી ને બીજો ખેંચે સીમ ભણી! બંને એકબીજાનાં પૂરક ખરા પણ, પૂર્ણ નહિ. કાયા પાંગળી બની ગઇ, ને માયા મહાકાય..! આખી સીસ્ટમ બદલાઈ ગઈ. પૈસો એ ડાબા હાથનો મેલ નહિ, ખેલ બની ગયો. એટલે તો, ‘સિઝેરિયન’ વગર હવે પૃથ્વીના વિઝા મળતા નથી ને‘વેન્ટીલેટર’ વગર સ્વર્ગસ્થ થવા Exit મળતી નથી. એક સમય હતો કે, મા-બાપને ૭ છોકરાંઓ ભલે હોય, પણ સાતેયને સાચવતાં, ભણાવતાં ને પગભર કરતાં. આજે તો બે છોકરાની મૂડી હોય એ મા-બાપનાં પૂનમ અને અમાસના વારા બાંધે..! હાથલાકડી થવાની વાત તો દૂરની, મગજ ફર્યો તો વૃધ્ધાશ્રમનું સ્વર્ગ પણ બતાવે..! શ્રવણનું Production હવે થતું નથી.

મર્યા પછી ભાદરવામાં ખીર ખવડાવે એનાથી ઓડકાર ખાઈ લેવાનો. ભૂલાઈ ચાલ્યું કે, જે માએ મને ચાલતો કરવા, મારી ઠુમક..ઠુમક ચાલ સાથે ચાલીને, દોડતો કર્યો, કેડ ઉપર બેસાડીને, કેડ સુધીની દુનિયા બતાવતી, લુગડાનો પાલવ પકડાવીને લાલનપાલન કરતી, એનો કેટલો ઉપકાર મારા માથે છે! ખૂણો પડે ત્યાં મંદિરિયું ગોઠવાય, એમ મા ખૂણે ઝૂરે ત્યારે વેદના થાય. સાયકલ ભલે ખખડધજ હોય, પણ એમાંય પિતાથી આગળ ટચુકડી સીટ બનાવી, તેમાં બેસાડીને દુનિયા બતાવી, એને દીકરા હવે દાવ બતાવે એ તાસીર છે. પિતા ફાટેલું પહેરણ પહેરે પણ, દીકરાની ‘બ્રાન્ડેડ’ જરૂરિયાત પૂરી પાડે, એ મા-બાપ હવે માત્ર રેશનકાર્ડમાં જ જીવંત હોય તો એની વેદના થવી જોઈએ.

માત્ર Mother’s day અને Father’s day પૂરતો જ એમને આધાર નહિ બનાવાય..! આજે તો મા-બાપે પોતાના શ્વાસ ટકાવવા પોતે જ પંપ મારવા પડે, એવા પણ બનાવો બનતા હશે. એને કહેવાય જગત મિથ્યા છે ને બ્રહ્મ સત્ય છે. પહેલાં મકાન નાનાં હતાં, પણ માણસનાં મન મોટાં રહેતાં. જેમ જેમ મકાન મોટાં થતાં ગયાં, એમ માણસનાં મન નાનાં થતાં ગયાં! પોતાના શ્વાસ પોતાના માટે જ વાપરવાની લીમીટેડ કંપની બની ગઈ.

 આજે બોલી અને રીતભાતની છે. બોલબાલા અંગ્રેજી ભણવું જરૂરી છે, એની ટીકા નથી કરતો. એ મા નથી, પણ માસી હોવા છતાં, મા જેટલો ઉછેર કરીને દુનિયા સાથે છેડાગાંઠી કરાવે છે. પણ સંસ્કારને ગિરવે મૂકીને જો છેડાગાંઠી થતી હોય તો, એ સંસ્કૃતિનું પતન છે. ભાષા કોઈ પણ હોય, ભૂખને કોઈ ભાષા હોતી નથી. ઈંગ્લીશ મિડિયમમાં ભણનારને ‘અંગ્રેજી’માં ભૂખ લાગતી નથી. બાજરાનો રોટલો ને છાશના સંસ્કારે જ આ ભારતને અખંડ રાખેલો. આજે તો માણસ એવો આડો ફાટ્યો કે, મા ની ઓળખ પણ બદલાવા માંડી.

ગામડામાં માને ‘માય’ કહીને બોલાવતાં માનું હૈયું ભરાઈ જતું. આજે મા મમ્મી બની ગઈ, મમ થઇ ગઈ, મોમ થઇ ગઈ, Mother’s day નું ફર્નીચર બની ગઈ.! આ ભ્રમ નથી, પણ બ્રહ્મ જેટલું સત્ય છે! ઘરમાં ઘોડિયાં છે, પણ હાલરડાં આવડતાં નથી. પછી શિવાજી પણ ક્યાંથી પાકે? જીવનશૈલી ઉપર કાળી બિલાડી આડી ફરી ગઈ હોય એવી દશા છે. માન-મર્યાદા-મલાજાનું ધોવાણ એવું થયું કે, સ્કર્ટ આવતાં, માતાનો પાલવ પણ છીનવાઈ ગયો. બાળકના હાથમાં માતાનો પાલવ આવતો જ નથી. સ્કર્ટ ઊંચો પડે છે!

 એક સમય હતો કે, પત્ની પતિનું નામ નહિ બોલતી. આજે તો પતિ-પત્ની વચ્ચે ‘તુંકારા’નો સંબંધ ના હોય તો, પરસ્પરના પ્રેમમાં દુકાળનાં વાદળ ઊતરી આવ્યાં હોય એવું લાગે. બંને બાખડે ત્યારે જ બહુવચનમાં વાક્યરચના આવે! ત્યાં સુધી બધું એકરાગી હોય..! આ પ્રથા ખરાબ નથી, સારી છે..! બંને વચ્ચે પ્રેમભાવ જળવાયેલો રાખવા કાટલાં બદલવાં પડે તો બદલવાં જોઈએ. લગ્નજીવનની મધુરતા તો જળવાય છે ને..? આ તો માયા છે. જે બ્રહ્મ પણ નથી, ભ્રમ પણ નથી, એક ધર્મ છે..! પત્ની પોતાની લક્ષમણરેખા હવે પોતે દોરે છે.

છતાં લગન કરતાં છૂટાછેડા હવે મોંઘા થતા ચાલ્યા. સમય એવો નહિ આવે તો સારું કે, લોકો છૂટાછેડાનો સમારંભ રાખે ને તેમાં છૂટાછેડાનાં ગીતો ગવાય. ભૂદેવ છૂટાછેડાનો યજ્ઞ રાખે. એકબીજાના છેડા કાપવાથી મંત્રોચ્ચાર સાથે વિધિ થાય અને સૌની હાજરીમાં એવું કહે કે, ( વર કન્યા સાવધાન…! આપેલી પહેરામણી પરત કરો સાવધાન..! આપેલી વીંટી ઊતારી યજ્ઞ સામે મૂકો સાવધાન..! મંગલસૂત્ર ઊતારો સાવધાન..! ઊંધા મંગળ-ફેરા ફરો સાવધાન…! વર- કન્યા પોતપોતાના ઘરની દિશામાં મોઢું કરો સાવધાન..! અક્ષર શૂન્યને બંને એકબીજાથી અલગ થઈ ગયાં સાવધાન..! )

 લાસ્ટ બોલ
સ્વ. વિનોદ ભટ્ટે એક સરસ વાત લખી છે કે…
એક વાર બે અશ્રુ બિંદુ, એક જગ્યાએ ભેગા થઈ ગયાં. એકે બીજાને પૂછ્યું કે, ‘તું કોની આંખનું બિંદુ છે..?’ જવાબ એ મળ્યો કે, ‘હું એ સ્ત્રીના આંખનું બિંદુ છું કે, જેના વરે તેને તરછોડીને અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી લીધા. પછી પેલા બિંદુએ પૂછ્યું કે, ‘તું કોની આંખનું બિંદુ છે..?’ તો તેણે કહ્યું કે, હું એ મૈત્રી કરારવાળી સ્ત્રીની આંખનું બિંદુ છું!’
સાલી એ વાતની સમજ પડતી નથી કે, અહીં પરણેલો પણ દુ:ખી છે, કુંવારો પણ દુ:ખી છે, તો આ બધા વચ્ચે સાલું મઝા કોણ લૂંટી રહ્યું છે?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top