Charchapatra

સબકો સન્મતિ દે, ઇશ્વર-અલ્લાહ-ગોડ

ઇલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ કરતાં પણ સ્વયંને વધુ ધનવાન ગણાવતી વ્યકિત જણાવે છે કે અમારી પાસે એટલા બધા નાણાં છે કે ગણી શકાય એમ નથી! તો એમને વિશ્વશાંતિ અને માનવતાવાદી વલણ અપનાવવા એ નાણાં સદ્‌માર્ગે વાપરવા અનુરોધ છે. નહીં કે અન્ય યુવકોનું બ્રેઇનવોશ કરવામાં નાણાંનો દુરઉપયોગ કરવાનો. શિક્ષિત વ્યકિત પણ એમની વાતોમાં આવી જાય એ અનહદ દુ:ખદ ઘટના કહેવાય! કયારેય કોઇ પણ ધર્મના ઇશ્વર માનવતા વિરોધી કૃત્ય કરવા માટે પ્રેરણા આપતા જ નથી. પ્રત્યેક ધર્મ ભાઇચારા અને વિશ્વ શાંતિ માટે જ આગ્રહ રાખે છે.
મજહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના. તો શિક્ષિત યુવકો કે તબીબોએ પણ વિચારશકિતથી આવા માનવતા વિરોધી કૃત્યોથી દૂર જ રહેવું જરૂરી. સમગ્ર વિશ્વ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા અનહદ વિકાસ સાધી પ્રગતિના પંથે છે. તો એ સદ્‌કાર્યોમાં સહકાર અર્પણ કરી વિશ્વવિકાસમાં સાથ આપવો જરૂરી નથી લાગતો? સ્વયંની કાબેલિયત સદ્‌કાર્યોમાં ઉપયોગી નિવડે એવો દૃષ્ટિકોણ અપનાવીએ નહીં કે હિંસાત્મક કૃત્યોમાં નિર્દોષ વ્યકિતનો જીંદગી હણી લઇએ! ઇશ્વર, અલ્લાહ, ગોડ સૌ એક જ છે. જૂઠાણાં હાંકી યુવકોને ગુમરાહ ન કરો.
રાંદેર રોડ, સુરત- નેહા શાહ

Most Popular

To Top