ગોવા આપણા દેશનું વિશિષ્ટ રાજ્ય છે, જે અનેક નૈસર્ગિક સ્રોત તેમજ અનોખું ભૂપૃષ્ઠ ધરાવે છે. જો કે, માણસની લાલસા એ હદે વકરી છે કે તે ભલભલા નૈસર્ગિક ભંડારોને ઉલેચીને ખાલી કરવા બેઠો છે. એકાદ મહિના અગાઉ આ કટારમાં ગોવામાં કઢાઈ રહેલા પર્વતોના નિકંદન વિશે વાત કરવામાં આવી હતી. ગોવામાં પર્વતો ઉપરાંત રળિયામણો સાગરકાંઠો પણ છે, જે સહેલાણીઓના આકર્ષણનું મોટું કેન્દ્ર છે. સ્વાભાવિકપણે જ દરિયાઈ ખોરાક ગોવાની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.
હકીકતમાં માછલી કેવળ ગોવામાં જ નહીં, વિશ્વભરમાં સૌથી મહત્ત્વનો આહારસ્રોત છે. આથી માછીમારી ગોવામાં પરંપરાગત વ્યવસાય હોય એમાં નવાઈ નથી. ગોવાની વસતીના 90 કરતાં વધુ લોકોનો રોજિંદો આહાર માછલી ગણાય છે. આપણા દેશના મત્સ્યઉછેરમાં ગોવાનો હિસ્સો બે ટકા જેટલો છે. ગોવા રાજ્યની જી.ડી.પી.(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો લગભગ ત્રણ ટકા હિસ્સો અને કૃષિ જી.ડી.પી.નો 17 ટકા હિસ્સો મત્સ્યઉછેર ધરાવે છે. મતલબ એટલો કે રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં મત્સ્યોદ્યોગનો હિસ્સો અતિ મહત્ત્વનો કહી શકાય એવો છે.
વસતીમાં થયેલો વધારો, પ્રવાસન અને દરિયાઈ આહારની માંગને કારણે છેલ્લા ઘણા વખતથી દરિયાઈ સ્રોત પર વધુ પડતું દબાણ ઊભું થયું છે, જેને કારણે વધુ પડતી માછીમારી અને તેના પરિણામે માછલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધી બેફામ અને વધુ પડતી માછીમારી, પ્રદૂષણ, માછલીઓના આવાસમાં ઘસારો, જળવાયુ પરિવર્તન અને સમગ્રપણે સુયોગ્ય વ્યવસ્થાપનની સમસ્યાઓ હતી જ, પણ તેમાં નવો અને ગંભીર ઉમેરો ‘એલ.ઈ.ડી. ફીશીંગ’એટલે કે એલ.ઈ.ડી.ના ઉપયોગથી થતી માછીમારીનો થયો છે.
એલ.ઈ.ડી. એટલે કે લાઈટ એમિટિંગ ડાયોડથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમાંથી નીકળતો અતિશય તીવ્રતા અને ઝળાંહળાં પ્રકાશ આંખોને આંજી નાખે છે. વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ લગાવવાથી સામેના ચાલકને બહુ મુશ્કેલી પડે છે. માછીમારીમાં તેનો ઉપયોગ એ રીતે વધ્યો છે કે સપાટી પર યા સપાટીની અંદર એલ.ઈ.ડી.ના પ્રકાશને ફેંકવામાં આવે છે અને આ તીવ્ર પ્રકાશથી અનેક માછલીઓ આકર્ષાઈને આવે છે, જે ત્યાં રખાયેલી જાળમાં ફસાય છે.
પરંપરાગત રીતે માછીમારી કરનારા માછીમારોના સંગઠને આક્ષેપ મૂક્યો છે કે માછલી પકડવા માટે એલ.ઈ.ડી.ના ઉપયોગ પર પ્રતિબંધ છે, છતાં તે બેફામપણે ચાલી રહ્યું છે. અન્ય અનેક પ્રકારની ગેરકાયદે માછીમારી ચાલી રહી હોવાનું અને તેની સામે ફરિયાદ નોંધાવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સંબંધિત વિભાગના રાજ્યના અધિકારીઓ અને તટીય પોલીસ દળ નીતિનિયમો લાગુ પડાવવાનો, એવાં વહાણોને જપ્ત કરવાનો દાવો કરે છે. વડી અદાલતના નિર્દેશને પગલે ગોવા શિપયાર્ડ લિ. (જી.એસ.એલ.) દ્વારા કરાયેલા નિરીક્ષણ અને તેના અહેવાલ અનુસાર કટબોના, માલિમ તેમજ વાસ્કો ખાતે વિવિધ વહાણો દ્વારા માછીમારીના નિયમોનું બેફામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
એલ.ઈ.ડી.ના ઉપયોગથી થતી માછીમારીને પ્રતિબંધિત કરવા માટે ગોવા ફાઉન્ડેશન દ્વારા કરાયેલી જાહેર હિતની એક અરજીમાં પર્યાવરણ બાબતે ચિંતા વ્યક્ત કરાઈ છે. તેના અહેવાલમાં ઉલ્લેખાયું છે કે ત્રણ જેટ્ટી પર સોળ વહાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી ચૌદમાં જનરેટર સેટ અને એલ.ઈ.ડી.લાઈટો મળી આવી હતી. આનો અર્થ એ કે આમ કરનારાઓને નિયમ કે એના ઉલ્લંઘનની કશી તમા નથી.
આનું કારણ શું? ગોવાના દૈનિક ‘ઓ હેરાલ્ડો’ના એક અહેવાલ અનુસાર ગોવાના મત્સ્યોદ્યોગ મંત્રી નીલકંઠ હળર્ણકર, મત્સ્ય નિદેશક શમીલા મોન્ટેયરો, મંત્રીના ઓ.એસ.ડી. (ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી) પ્રથમેશ તુળસકર સહિત ખાનગી મત્સ્યોદ્યોગના હિસ્સેદારોની એક ટીમે ફેબ્રુઆરી,2024ના છેલ્લા સપ્તાહમાં નોર્વે ખાતે પાંચ દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનું આયોજન ગોવાના મત્સ્યોદ્યોગ મહારથી મિગુએલ રોડ્રિગ્સ દ્વારા કરાયું હતું. રોડ્રિગ્સની ખ્યાતિ એલ.ઈ.ડી. થકી માછીમારી કરનારા મોટા ઉદ્યોગસાહસિકની છે. રાજ્યના મત્સ્યવિભાગ તરફથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયને વારંવાર અપીલ તેમજ વડી અદાલત સમક્ષ અરજી કરાઈ રહી હતી.
એ જ અરસામાં આ પ્રવાસ યોજાયેલો અને મોટાં મોટાં વહાણો બેફામપણે એલ.ઈ.ડી.લાઈટોનો ઉપયોગ માછીમારી માટે કરી રહ્યા હતા. આ બન્ને ઘટનાઓ વચ્ચે કશો સંબંધ હશે ખરો? એટલે કે એક તરફ એલ.ઈ.ડી.લાઈટથી થતી માછીમારી સામે ઊઠતી વ્યાપક ફરિયાદો અને બીજી બાજુ એલ.ઈ.ડી.લાઈટથી માછીમારી કરાવવાના તરફદાર ઉદ્યોગપતિ દ્વારા આયોજિત સરકારી અધિકારીઓનો વિદેશપ્રવાસ! આ બાબતે પ્રસાર માધ્યમોમાં સવાલો ઊઠ્યા છે, પણ તેનો સંતોષકારક જવાબ સરકાર દ્વારા અપાયો નથી. આમ પણ, સરકાર અને ઉદ્યોગપતિઓની મૈત્રી, તેના પરિણામે બન્ને પક્ષને થતો લાભ એટલી સામાન્ય બાબત બની રહી છે કે એમ ન હોય તો નવાઈ લાગે.
આ ગઠબંધન એવું ઘાતક પુરવાર થઈ રહ્યું છે કે એક તરફ પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય લોકોને એક યા બીજી રીતે માર પડી રહ્યો છે. જમીન, પર્વત, દરિયો બધે રાજકારણી અને ઉદ્યોગપતિઓનું ગઠબંધન ફરી વળ્યું છે અને પર્યાવરણની ઘોર ખોદી કાઢી છે. આવું કેવળ આપણા જ દેશમાં છે એમ નથી. આ રોગ વિશ્વભરમાં વ્યાપી ગયો છે. પર્યાવરણ સાથે કરાતાં ચેડાંને લઈને ઊભી થયેલી વિપરીત અસરો ક્યારની શરૂ થઈ ગઈ છે અને તેનાં દુષ્પરિણામ અનેક લોકો ભોગવી રહ્યાં છે, છતાં ધનની લાલસા અને વિકાસની આંધળી દોટ અટકવાનું નામ લેતાં નથી. આ લોકો વાર્યા તો નથી વળ્યાં, હાર્યા પણ વળે એમ લાગતું નથી, કેમ કે, હારવાનું તેમના પોતાના સિવાયના અન્યોએ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.