Gujarat

રાજ્યમાં ધોધમાર વરસાદઃ વ્યારામાં સૌથી વધુ 8 ઈંચ પડ્યો, તમિલનાડુના યાત્રીઓની બસ ભાવનગરમાં ફસાઈ

અમદાવાદઃ ચોમાસું પુરું થવા આડે છે ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજા વરસ્યા છે. છેલ્લાં બે દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં બુધવારે બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા. ત્યાર બાદથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે આખાય જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. મીંઢોળા નદી છલકાઈ છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડતાં મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને બારડોલી નગરમાંથી પસાર થતો લેવલ બ્રિજ બંધ કરાયો છે.

મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ કાળાં વાદળો છવાઈ ગયા છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આખા અમદાવાદમાં અંધારપટ્ટ છવાઈ જતાં હિલ સ્ટેશનમાં ફરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં તમિલનાડુના યાત્રીઓની બસ નદીમાં ફસાઈ
ગુજરાતમાં વરસી રહેલાં ભારે વરસાદનો ખરાબ અનુભવ તમિલનાડુના યાત્રીઓને થયો છે. ગઈકાલે તા. 26 સપ્ટેમ્બરે ભાવનગરના ઘોઘામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેના લીધે અહીંની માલેશ્રી નદીમાં પૂર આવ્યું હતું.
આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓને બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ ગઈ હતી. 29 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ ટ્રક પણ ફસાઈ ગઈ હતી. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પણ તંત્રએ મહામહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

Most Popular

To Top