Gujarat

હીટ વેવ વચ્ચે માવઠાની એન્ટ્રી! ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદનું એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ હવે હવામાનમાં અચાનક બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. India Meteorological Department (IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. વિભાગના અનુમાન મુજબ 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ 18 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ શકે છે. આ દિવસે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

19 માર્ચે માવઠાનો વિસ્તાર વધુ વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMD મુજબ 18 અને 19 માર્ચ દરમિયાન માવઠા સાથે કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. જેના કારણે હવામાન અચાનક બદલાઈ શકે છે. 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ ગરમી વધી રહી છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે પાક પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top