કોરોના કાળમાં ઘણાએ એકલતા અનુભવી હશે. પણ જેને એકલતાને એકાંતમાં ફેરવતાં આવડ્યું એઓ સ્વસ્થ રહ્યા. એકલતામાં માણસનું મન દુઃખી રહે છે, જયારે એકાંતવાસમાં માણસ આધ્યાત્મિક સુખનો અનુભવ કરે છે. એકાંતવાસમાં મૌન રહેવું પડે છે અને મૌન ધ્વારા જ તમે સુખની ચરમસીમા પ્રાપ્ત કરી શકો છો. ગાંધીજીએ પણ મૌનનો મહિમા એમના આચરણ દ્વારા સમજાવ્યો છે. જે પરમ ચૈતન્યમાં વિશ્રાંતિનો પૂર્ણ અનુભવ કરે છે તે મૌનને સાચી રીતે સમજી શકે છે. આપણે એમ સમજીએ છીએ કે વાણીનો ઉપયોગ ન કરીએ એટલે મૌન. પરંતુ મૌન એ ગહન શબ્દ છે. મૌનને સમજવા આપણે મન અને ઇન્દ્રિયોનો વ્યવહાર સમજવો પડે. ગીતામાં કૃષ્ણે કહ્યું છે કે ઇન્દ્રિયોમાં મન હું છું. પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવો ત્યારે મૌન પ્રાપ્ત થાય છે. મૌન રૂપ થવું એટલે આત્મા સાથે એકાકાર થવું. મૌનથી ફાયદો એ થાય છે કે માણસની પોતાની મુલાકાત પોતાની સાથે થાય છે. મનન મનોમંથનથી સ્વની સાચી ઓળખ થાય છે.
શબ્દો બોલવાથી વેડફાઈ જતી શક્તિનો રચનાત્મક કામમાં ઉપયોગ કરી શકીએ.મૌનથી મનની સ્થિરતા મળે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. ગુસ્સો કદી પણ આવતો નથી. એટલે ઘરનું પણ વાતાવરણ દિવ્ય બની જાય છે. આખા દિવસમાં એક કલાક પણ મૌન રહીને સકારાત્મક ઊર્જાનો સંગ્રહ કરવો જોઈએ. અનુભવ એવું કહે છે કે મૌન જ વધારે સારું કેમ કે વાણીથી લોકો રિસાઈ વધારે જાય છે. સફળ વ્યક્તિઓના હોઠ પર બે વસ્તુ શોભે છે મૌન અને સ્મિત. મૌનથી સમસ્યા દૂર થાય છે. સ્મિતથી સમસ્યાનો ઉકેલ આવે છે. એટલે જ કહેવાયું છે કે મૌન સર્વાર્થ સાધનમ..આ કપરા મહામારી કાળમાં સૌને મંગલમય મૌન પ્રાપ્ત હો!
સુરત-દિલીપ વી. ઘાસવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.