નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગામમાં સુજલામ-સુફલામ યોજના અન્વયે ચાલી રહેલી તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને બે કોન્ટ્રાક્ટરોએ ભેગા મળી એક ગરીબ પરિવારને સરકાર તરફથી મળેલી જમીન ખોદી નાંખી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગને રજુઆત કરવામાં આવી છે. મહુધા તાલુકાના સાપલા ગામમાં આવેલ હરિજનવાસ વિસ્તારમાં રહેતાં ડહીબેન મોહનભાઈ હરીજને જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગને આપેલી રજુઆતમાં જણાવ્યું છે કે, સરકાર તરફથી પચાસેક વર્ષ અગાઉ સાપલા ગામની સીમમાં તળાવ પાસે આવેલ એક પડતર જમીન અમને આપવામાં આવી હતી.
જેમાં વાવણી કરી અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. જોકે, થોડા વર્ષો અગાઉ ચોમાસામાં આ જમીનના એક ભાગનું ધોવાણ થયું હતું અને જમીનમાં ખાડા પડી ગયાં હોવાથી વાવણી થઈ શકતી ન હતી. માટે બાકી રહેલાં થોડા ઘણાં ભાગમાં વાવણી કરી, પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. દરમિયાન ચાલુ વર્ષે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગામના સરપંચ ગૌતમભાઈ અમરસિંહ ચૌહાણ, તલાટી કમ મંત્રીએ તળાવને બદલે બાજુમાં આવેલી અમારી જમીન ખોદી, તેમાંથી માટી કાઢવાનું શરૂ કર્યું હતું. જે તે વખતે સરપંચ તેમજ બંને કોન્ટ્રાક્ટરોને મળી કામ અટકાવવા જણાવ્યું હતું. જોકે, તેઓ માન્યાં ન હતાં અને જમીન ખોદવાનું કામ ચાલું જ રાખ્યું હતું. ત્યારે જમીનમાં ચાલતું માટીનું ખોદકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી, જમીન પરત અપાવવાની માંગ કરી છે. જોકે, આ કેસમાં તલાટી અને સરપંચ સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર સામે પણ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા માંગણી કરી હતી.
ગરીબીને ધ્યાનમાં રાખી સરકારે જમીન આપી હતી
ગરીબીમાં જીવન જીવતાં ડાહીબેનના પિતા મોહનભાઈ ધર્માભાઈ હરિજને સન ૧૯૭૨-૭૩ ની સાલમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે સરકાર પાસે એક વાવણી લાયક જમીનની માંગ કરી હતી. જેને ધ્યાનમાં રાખી સરકારે જે તે નિયમ અને શરતોને આધારે સાપલા ગામની સીમમાં આવેલ તળાવની પાસેની એક પડતર જમીન વાવણી કરવા માટે મોહનભાઈને આપી હતી અને સાપલા ગ્રામ પંચાયત દ્વારા તેનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.
જમીન આપવામાં આવી હોવાના પુરાવા અતિવૃષ્ટિમાં નાશ પામ્યાં
અરજદાર ડાહીબેનના જણાવ્યાં અનુસાર તેઓ પોતાના પરિવારજનો સાથે સાપલા ગામમાં આવેલ હરિજનવાસ વિસ્તારમાં માટીનું કાચું મકાન બાંધીને રહેતાં હતાં. તે વખતે ચોમાસાની અતિવૃષ્ટિમાં તેઓનું માટીનું કાચુ મકાન પડી ગયું હતું. જેમાં ઘરવખરીના સામાનની સાથે સાથે સરકાર તરફથી તેઓને મળેલી જમીનનો પુરાવાનો પણ નાશ થયો હતો.