મથુરાના વૃંદાવનમાં પેટના દુખાવાથી પીડાતા એક યુવકે એવું કામ કર્યું કે તેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ યુવકે યુટ્યુબ પર જોઈને પોતાનું ઓપરેશન જાતે કર્યું. જોકે ત્યાર બાદ જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. પરિવારના સભ્યોએ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
આ આખો મામલો મથુરા જિલ્લાના વૃંદાવનનો છે. વૃંદાવનના સુનરાખ ગામના રહેવાસી 32 વર્ષીય રાજા બાબુ (કનૈયા ઠાકુરનો પુત્ર) લાંબા સમયથી પેટમાં દુઃખાવો અનુભવી રહ્યો હતો. તેણે ઘણી વાર ડૉક્ટરનો સંપર્ક કર્યો પણ પેટના દુઃખાવામાં રાહત ન મળી. આવી સ્થિતિમાં તેણે પેટનું ઓપરેશન જાતે જ કરવાનું નક્કી કર્યું.
રાજાબાબુને 18 વર્ષ પહેલાં તેનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું હતું ત્યાર બાદ તેણે વારંવાર પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. સતત દુઃખાવાથી કંટાળીને તેણે જાતે જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું.
ડોકટરોની જેમ રાજા બાબુએ પોતાને ઇન્જેક્શન આપીને પોતાને સુન્ન કરી દીધા. આ પછી તેણે સર્જિકલ બ્લેડથી પોતાનું પેટ ફાડી નાખ્યું. શરૂઆતમાં તેને કોઈ દુઃખાવો ન થયો પરંતુ દવાની અસર ઓછી થતાં જ તેને દુઃખાવો થવા લાગ્યો. આ દરમિયાન તેમના પેટ પર 11 ટાંકા પણ લાગ્યા. છતાં પણ દુઃખાવામાં કોઈ રાહત નહોતી. તે જોરથી ચીસો પાડવા લાગ્યો. યુવાનની ચીસો સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા અને તાત્કાલિક તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તેમને ગંભીર હાલતમાં દાખલ કર્યા છે અને તેમની સારવાર ચાલુ છે.
ડોક્ટરોનું કહેવું છે કે યોગ્ય માહિતી વિના આવું પગલું ભરવું જીવલેણ બની શકે છે. રાજા બાબુની હાલત હાલમાં સ્થિર છે. તેની સારવાર ચાલી રહી છે.
શું કહ્યું રાજા બાબુએ?
રાજા બાબુના કહેવા મુજબ જ્યારે તેઓ પેટનો દુ:ખાવો સહન કરી શક્યા નહીં, ત્યારે તેઓ મથુરા ગયા અને એક મેડિકલ સ્ટોરમાંથી દવા, સર્જિકલ બ્લેડ અને સિલાઈ સામગ્રી ખરીદી. સુન્ન કરી દે તેવું ઇન્જેક્શન પણ લીધું. બુધવારે સવારે તેમણે તેમના ઘરના એક રૂમમાં તેમનું ઓપરેશન શરૂ કર્યું. થોડા સમય પછી જ્યારે ઈન્જેક્શનની અસર ઓછી થઈ ગઈ, ત્યારે તેને દુખાવો થવા લાગ્યો અને તે ઘરની બહાર આવ્યો અને ચીસો પાડવા લાગ્યો. તેમના શબ્દો સાંભળીને પરિવાર ચોંકી ગયો અને સમય બગાડ્યા વિના રાજાને જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે.
