Sports

ગાબામાં લાજ બચાવવી મુશ્કેલ: ભારતે 50 રનમાં 4 વિકેટ ગુમાવી, વરસાદે મેચ અટકાવી

ગાબા: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં ચાલી રહી છે. આજે તા. 16 ડિસેમ્બર ગાબા (GABA) ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ જારી રહ્યો છે. ભારતનો સ્કોર 51 રન છે અને તેની 4 વિકેટ પડી ગઈ છે. કેએલ રાહુલ અને રોહિત શર્મા રમી રહ્યાં છે.

આ અગાઉ આજે સવારે ભારતીય ટીમની પ્રથમ શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેણે બીજા જ બોલ પર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી ડાબા હાથના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ સ્ટાર્કે તેની આગામી ઓવરમાં શુભમન ગિલ (1 રન)ને પણ આઉટ કર્યો હતો. માર્શે ગિલનો કેચ પણ લીધો હતો.

વિરાટ કોહલી પાસેથી સારી રમતની અપેક્ષા હતી પરંતુ તે જોશ હેઝલવુડના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 16 બોલનો સામનો કરીને 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઋષભ પંત (9) પણ ટીમમાંથી બહાર નીકળી ગયો હતો. પંત પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ વરસાદ પડ્યો, જેના કારણે રમત લાંબા સમય સુધી બંધ રહી હતી.

વરસાદે રમતને અવરોધી
ટેસ્ટના ત્રીજા દિવસે આજે ગાબામાં વાતાવરણ સારું રહ્યું નહોતું. અનેકોવાર વરસાદના લીધે રમત રોકવી પડી હતી. 44 પર ભારતે 4 વિકેટ ગુમાવ્યા બાદ લાંબો સમય રમત રોકાઈ રહી હતી. 12.35 રમત શરૂ થઈ હતી, પરંતુ 10 જ મિનિટમાં રમત ફરી રોકવી પડી હતી. આકાશમાં વાદળો છવાયેલા હોવાના લીધે લાઈટ પણ ઓછી હતી. તેથી બેટ્સમેનોને રમવામાં તકલીફ પડી હતી. 12.48 રમત અટકાવાઈ ત્યારે ભારતનો સ્કોર 51 હતો. રાહુલ અને રોહિત રમતમાં છે.

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 445 રન બનાવ્યા, બુમરાહની 6 વિકેટ
ઓસ્ટ્રેલિયાએ ગાબા ટેસ્ટની પહેલી ઈનિંગમાં 445નો તોતિંગ સ્કોર ખડક્યો છે. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી ટેસ્ટના બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટ ગુમાવી 405 રન હતો. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાન બેટ્સમેનોએ રમત આગળ ધપાવી હતી. વધુ 40 રન ઉમેરી ઓસ્ટ્રેલિયાની સંપુર્ણ ટીમ આઉટ થઈ હતી. ભારત તરફથી સૌથી વધુ જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી.

Most Popular

To Top