Sports

શ્રીલંકા સામેની આજની કરો યા મરો, મેચમાં ભારતને યોગ્ય બોલિંગ સંયોજનની જરૂર

દુબઈ : એશિયા કપની સુપર ફોરની (Super Four) ‘કરો અથવા મરો’ મેચમાં (Match) આવતીકાલે મંગળવારે જ્યારે ભારતીય ટીમ (Team India) શ્રીલંકા (Sri Lanka) સામે મેદાને પડશે ત્યારે વધુ પડતા પ્રયોગને ટાળીને પોતાના શ્રેષ્ઠ બોલીંગ (Bowling) સંયોજનની તેમને જરૂર પડશે. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગ વિભાગમાં બદલાવ કરવા માટે જરૂરી વિકલ્પ નથી. ભારત રવિવારે પાકિસ્તાન સામે પાંચ બોલર સાથે રમ્યું અને આ નિર્ણય યોગ્ય ન રહ્યો કારણકે ભુવનેશ્વર કુમારનો દિવસ સારો નહોતો.

  • જાડેજા, હર્ષલ અને બુમરાહની ગેરહાજરીમાં બોલીંગ વિભાગમાં ફેરફાર માટે વધુ વિકલ્પ ન હોવાથી પાંચ બોલરની યોજના ચાલી શકે તેમ નથી
  • શ્રીલંકા સામેની મેચમાં ચાર સ્પેશિયાલિસ્ટ બોલર ઉપરાંત બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની સાથે ટીમ મેદાને ઉતરે તેવી સંભાવના

પાકિસ્તાન સામેની ઓપનિંગ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા પણ મોંઘો સાબિત થયો હતો અને યુઝવેન્દ્ર ચહલ પણ ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. પાંચ બોલરોની ‘થિયરી’માં હાર્દિકની ચાર ઓવર ઘણી મહત્વની બની જાય છે. ટીમને સંતુલન આપવા માટે અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
પાકિસ્તાન સામેની મેચ પહેલા અસ્વસ્થ રહેલા અવેશ ખાન ત્રીજા વિશેષજ્ઞ ઝડપી બોલર તરીકે ટીમમાં વાપસી કરી શકે છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વર્લ્ડ કપ પહેલા તેમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે રમવાનો પ્રયાસ કરશે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પ્રયોગ કરવાનું ચાલુ રાખશે.

પાકિસ્તાન સામેની મેચની સકારાત્મક બાબત એ હતી કે ટોપ ઓર્ડરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણેયએ ઘણી આક્રમકતા બતાવી અને ભારતને ઝડપી શરૂઆત અપાવી. એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકાર્યા બાદ કોહલીના ટીકાકારો આખરે ચૂપ થઈ શકે છે. તે ભલે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોય પરંતુ રવિવારે તેણે સંકેત આપ્યો કે તે તેની તરફ આગળ વધી રહ્યો છે. શ્રીલંકા સામેની મેચમાં કોહલી અને બંને ઓપનરો પહેલા બોલથી જ ઝડપી બેટિંગ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.

Most Popular

To Top