દુબઇ : ભારતીય ટીમના (Indian team) માજી કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) અહીં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની સીરિઝ હાર્યા પછી ટેસ્ટ કેપ્ટનશિપ (Test captaincy) અચાનક છોડવાના તેના નિર્ણય પછી મને માત્ર મહેન્દ્ર સિંહ ધોનીએ મેસેજ કર્યો હતો. આ સાથે જ કોહલીએ માજી ક્રિકેટરોને ઝાટક્યા હતા કે જેઓ ટીવી (TV) પર મદદ કરવાની વાત કરે છે પણ તેની મદદ કરવા માટે વ્યક્તિગત રૂપે કદી સંપર્ક કર્યો નથી.
- ઘણાં લોકો પાસે મારો નંબર હતો અને ઘણાં લોકો ટીવી પર પોતાનું મંતવ્ય દર્શાવે છે પણ તેમાંથી કોઇએ મને મેસેજ કર્યો નહોતો : વિરાટ કોહલી
- કોહલી બોલ્યો :જો હું કોઇની મદદ કરવા માગતો હોઉં તો સીધો તેનો સંપર્ક કરું, આખી દુનિયા સામે હું મદદ કરી શકું એવો ઢંઢેરો પીટવા ન બેસું
12 મહિના કરતાં વધુ સમયથી પોતાના ફોર્મ બાબતે ટીકાઓ સહન કરી રહેલા કોહલીએ ધોનીના ફોન એ તેની સાથેના પોતાના ખાસ જોડાણ અંગે મીડિયા સાથે વાત કરી હતી. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં હાર પછીની પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ ઉપરોક્ત વાત કરી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે ઘણાં લોકો પાસે મારો નંબર છે અને ઘણાં લોકો ટીવી પર વાતો કરે છે પણ તેમાંથી કોઇએ મને મેસેજ કર્યો નથી. તેણે કહ્યું હતું કે જો મારે કોઇને કઇ કહેવું હોય કે તેને મદદ કરવા માગતો હોઉ તો હું તેનો વ્યક્તિગત સંપર્ક કરીશ. આખી દુનિયા સામે તે કહેવાનું મારી દૃષ્ટિએ કોઇ મહત્વ નથી. જો તમે મારી મદદ કરવા માગતા હોઉ તો મારો વ્યક્તિગતરૂપે સંપર્ક કરી શકો છો. કોહલીએ કોઇનું નામ તો નથી લીધું પણ તેનો ઇશારો માજી દિગ્ગજ સુનિલ ગાવસ્કર ભણી હોવાનું કહેવાય છે.