પેરિસ : ફ્રેન્ચ ઓપન (french open)માં એક મેચના ફિક્સીંગ (Match fixing)માં સામેલ હોવાની શંકાના આધારે એક મહિલા ટેનિસ ખેલાડી (Lady tennis player)ને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ચાલુ છે ત્યારે જ ધરપકડ (Arrest) કરાઇ હોવાનું પેરિસના ફરિયાદ પક્ષના કાર્યાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયું હતું.
ફરિયાદ પક્ષે માત્ર એટલું જ જણાવ્યું હતું કે એક ઇન્ટરનેશનલ મહિલા ટેનિસ ખેલાડીની ધરપકડ કરાઇ છે, જો કે તેમણે નામ જાહેર કર્યું નહોતું પણ ફ્રાન્સના એક અખબારે સૌથી પહેલા આ સમાચાર આપીને લખી નાંખ્યું હતું કે હિરાસતમાં લેવાયેલી મહિલા ખેલાડી 765મો રેન્ક ધરાવતી રશિયાની યાના સિઝિકોવા છે.
ફરિયાદ પક્ષના કાર્યાલય દ્વારા કહેવાયું હતું કે આ મહિલા ખેલાડીની ગુરૂવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2020માં રમાયેલી ફ્રેન્ચ ઓપન દરમિયાનની એક મેચ માટે રમતમાં લાંચ લઇને ઓર્ગેનાઇઝ્ડ ફ્રોડ કરવાના આરોપમાં હિરાસતમાં લેવાઇ હતી. ફ્રાન્સ પોલીસના સટ્ટાબાજી અને મેચ ફિક્સીંગ યૂનિટે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તપાસ શરૂ કરી હતી. આ યૂનિટ પહેલા બેલ્જિયમના અધિકારીઓની સાથે પણ પ્રોફેશનલ ટેનિસના નીચલા લેવલે શંકાસ્પદ મેચ ફિક્સીંગની તપાસ કરી ચુકી છે. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આ તપાસ રોલાં ગેરાં પરની એક મેચમાં જાગેલી શંકા પર કેન્દ્રિત છે.
તેમણે મેચ કઇ છે તે જાહેર કર્યું નહોતું પણ જર્મનીના એક અખબાર અને ફ્રાન્સના સ્પોર્ટસ ન્યુઝ પેપરે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે મહિલા ડબલ્સની પહેલા રાઉન્ડની એક મેચમાં સટ્ટાબાજીની પેટર્નની શંકા જાગી હતી. એ દિવસે સિઝિકોવા પોતાની અમેરિકન જોડીદાર મેડિસન બ્રેંગલે સાથે રોમાનિયાની એન્ડ્રિયા મીટૂ અને પેટ્રિસિયા મારિયા ટિગ સામે કોર્ટ પર હતી.