હાલોલ: હાલોલ તાલુકાના પાવાગઢની તળેટી નજીક આવેલા શિવરાજપુરના જીમીરા રિસોર્ટ ખાતેથી હાઇપ્રોફાઇલ જુગાર રમતા ઝડપાયેલા ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 7 મહિલા અને 19 પુરુષો મળી કુલ 26 વ્યક્તિઓને હાલોલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા બે વર્ષ સખત કેદની સજા અને ચાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માતરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને જુગારધારા એકટ હેઠળ બે વર્ષ કેદની સજા અને ચાર હજાર રૂપિયાનો દંડ ફટકારતા રાજકીય મોરચે ખળભળાટ સાથે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે જ્યારે કેસિનો ટાઇપનો હાઇપ્રોફાઇલ જુગાર મીરા રિસોર્ટમાં રમાતો હોવાનું કોર્ટમાં પુરવાર થતાં જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સમગ્ર બનાવની વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ અને પાવાગઢ પોલીસ મથકની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત વર્ષે તા. 01/07/2021 રોજ રાત્રીના સુમારે હાલોલ તાલુકાના પાવાગઢ નજીક આવેલા શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં છાપો મારી રિસોર્ટના એક રૂમમાં ચાલતો હાઇપ્રોફાઇલ જુગાર ઝડપી પાડયો હતો જેમાં કેસિનો ટાઇપનો જુગાર રમતા ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેસરીસિંહ જેસીંગભાઇ સોલંકી જુગરધામ પરથી રંગે હાથે ઝડપાઇ જતા જે તે સમયે સમગ્ર ગુજરાતમાં રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જેમાં પોલીસે જીમીરા રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ કેસિનો ટાઇપ પ્લાસ્ટિકના કોઈન વડે જુગાર રમતા ધારાસભ્ય કેસરીસિંહ સહિત 7 યુવતીઓ જેમાં 4 વિદેશી નેપાળી યુવતીઓ અને રિસોર્ટમાં રૂમ ભાડે રાખી ધમધમતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાવતા મુખ્ય સંચાલક અમદાવાદના હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ સહિત 19 પુરુષો મળી કુલ 26 લોકોની અટકાયત કરી હતી જેમાં પોલીસે કેસિનો ટાઈપના જુગારધામ પર થી વિવિધ કલરની પ્લાસ્ટિકના કોઈન અને 3,89,440/- રૂપિયાની રોકડ રકમ 25 મોબાઈલ 1 લેપટોપ અને 1 કરોડ ઉપરાંતની 8 વૈભવી કાર મળી કુલ એક 1,15,72,440/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે જીમીરા રિસોર્ટ ખાતેથી વિદેશી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી જોકે ઝડપાયેલા 26 આરોપીઓનું પોલીસે મેડીકલ પરિક્ષણ કરાવતા કોઈએ પણ દારૂ પીધેલો ન હોવાનું જણાતા દારૂ રાખવા બદલ એક વ્યક્તિ સામે પ્રોહીબિશનનો કેસ કરી ધારાસભ્ય કેસરીસિંહ સહિત તમામ 26 લોકો સામે પાવાગઢ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી.
જેમાં જે તે સમયે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ હાલોલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ હાઈપ્રોફાઈલ જુગારનો કેસ ચાલી ગયો હતો જેમાં પોલીસ દ્વારા રજૂ કરાયેલ તમામ જાતના પુરાવો સરકારી વકીલની દલીલો અને સાક્ષીઓની જુબાની તપાસ્યા બાદ 11મી મે બુધવારના રોજ હાલોલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત તમામ 26 આરોપીઓ સામેનો જુગરનો કેસ પુરવાર થતા તમામ આરોપીઓ સજાને પાત્ર હોઈ જુગાર ધારાની કલમ 4 મુજબ 2 વર્ષ સખત કેદની સજા અને અને પ્રત્યેક આરોપીને 3000/- રૂપિયા મળી કુલ 78000/- રૂપિયાનો દંડ અને આરોપીઓ દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 2 માસની સાદી કેદની સજા તેમજ જુગારધારાની કલમ 5 મુજબ 6 માસની સજા અને પ્રત્યેક આરોપીને 1000/- દંડ મળી કુલ 26 હજાર રૂપિયાનો દંડ અને આરોપીઓ દંડની રકમ ભરવામાં કસૂર કરેતો 1 માસની સાદી કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને જુગાર રમવા બદલ 2 વર્ષની સખત કેદની સજા અને 4 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં રાજકીય મોરચે ભારે ખળભળાટ પેદા થવા પામ્યો છે અને સજાને લઇને ચારે તરફ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે જ્યારે જીમીરા રિસોર્ટ ખાતે હાઈ પ્રોફાઈલ જુગાર ચાલતો હોવાનું હાલોલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પુરવાર થતા કોર્ટ દ્વારા જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરતો હુકમ પણ કરવામાં આવ્યો છે જોકે સજાની સુનાવણી દરમ્યાન બુધવારે હાલોલ કોર્ટમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત કુલ 24 આરોપીઓ હાજર રહ્યા હતા જોકે 2 વિદેશી નેપાળી યુવતીઓ સુનાવણી દરમ્યાન હાજર રહેવા પામી ન હતી. અટકાયત થયેલા ૨૪ આરોપીઓ દ્વારા ઉપલી કોર્ટમાં જામીન માટે અરજી કરતા મોડી સાંજે તમામ 24 આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા.